વૈશ્વિક સોનું $ 1800ના સ્તરે સ્થિર

વૈશ્વિક સોનું $ 1800ના સ્તરે સ્થિર
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 28 : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ફ્લેટ થઇ ગયો હતો. ફેડની બેઠક મંગળવારે શરું થઇ છે અને બુધવારે મોડેથી ચેરમેનનું નિવેદન આવે તે પૂર્વે સોનું 1800 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતુ. ફેડની નાણાનીતિ અંગે કેવું નિવેદન આવે છે તેની ઇંતેજારી છે. ચાંદીનો ભાવ આ લખાય છે ત્યારે 24.80 ડોલરની સપાટીએ હતો. ફેડ દ્વારા હજુ અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખવામાં આવે તેવી પૂરી શક્યતા છે. 
જોકે જુલાઇ મહિનામાં કન્ઝ્યુમર કોન્ફીડેન્સ આંક 17 મહિનાની ઉંચાઇ પર પહોંચ્યો હતો. નાગરિકોએ ખર્ચ વધાર્યું છે અને એ કારણે ફુગાવાનો દર પણ વધતો જાય છે એ કારણે અર્થતંત્ર મજબૂત રીતે આગળ ધપી રહ્યું છે તેવું સ્પષ્ય જણાય આવે છે. ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર વધારે આવે એવી પૂરી શક્યતા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે એવી જાહેરાત કરી હતી કે વૈશ્વિક આર્થિક વિકાસ દર 6 ટકા જેટલો 2021ના વર્ષમાં રહેશે. અમેરિકા સહિતના ધનિક રાષ્ટ્રોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે ત્યાં વિકાસદર ઓછો હશે પણ બીજા રાષ્ટ્રોમાં વધવાની શક્યતા છે. કરન્સી બજારમાં અમેરિકી ડોલરનું મૂલ્ય સાડા ત્રણ મહિનાની સપાટીથી સહેજ નીચે હતુ. એ કારણે સોનામાં વધુ ઘટાડો મુશ્કેલ બન્યો હતો. ચાંદી ચાર મહિનાની નીચી સપાટીની નજીક 24.46 ડોલર સુધી મંગળવારે પહોંચી હતી. જોકે એ પછી વળતો સુધારો આજે જોવા મળ્યો હતો.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 50 સુધરીને રુ. 49,350 અને મુંબઇમાં રુ.37 વધીને રુ. 47,761 રહ્યો હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રુ. 500 ઘટીને રુ. 67,500 અને મુંબઇમાં રુ. 602 ઘટી જતા રુ. 66,386 રહી હતી. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer