રાકેશ ઝુનઝુનવાલા સસ્તાં ભાડાં અૉફર કરતી ઍરલાઈન શરૂ કરશે

રાકેશ ઝુનઝુનવાલા સસ્તાં ભાડાં અૉફર કરતી ઍરલાઈન શરૂ કરશે
70 વિમાનોનો કાફલો તૈયાર કરવાની યોજના
મુંબઈ, તા. 28 : અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની યોજના ભારતમાં નવી ઍરલાઈન સ્થાપીને તેમાં 70 વિમાનોનો કાફલો ઊભો કરવાની છે. 
સૂચિત ઍરલાઈન્સમાં ઝુનઝુનવાલા 3.5 કરોડ ડૉલરનું રોકાણ કરીને 40 ટકા હિસ્સો હસ્તગત કરશે. આગામી 15 દિવસમાં ભારતીય ઉડ્ડયન મંત્રાલય પાસેથી  નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મળવાની અપેક્ષા છે. આ સસ્તી ઍરલાઈનનું નામ આક્સા ઍર હશે. ઍરલાઈનની ટીમમાં ડેલ્ટા ઍર લાઈન્સના ભૂતપૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવનો સમાવેશ હશે. વિમાનની ક્ષમતા 180 પ્રવાસીઓની હશે. 
હાલમાં ઊંચા ખર્ચ અને ટિકિટ ભાડાંમાં તીવ્ર સ્પર્ધાને લીધે ઍરલાઈન્સનું ટકવું મુશ્કેલ બની રહ્યું છે, એવામાં ભારતના વોરન બફેટ ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા નવી ઍરલાઈન્સ સ્થાપીને વૃદ્ધિનો આશાવાદ રાખે છે. તેમણે કહ્યું કે, માગની દૃષ્ટિએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં તેજી રહેશે અને નવાં વિમાનોમાં સસ્તાં ભાડાં અૉફર કરી પ્રવાસીઓને આકર્ષવામાં આવશે.  
કોરોના મહામારી પહેલાં પણ ઍરલાઈન્સ કંપનીઓની પરિસ્થિતિ ખરાબ હતી. દેશની બીજા ક્રમની સ્થાનિક ઍરલાઈન કંપની કિંગફિશર ઍરલાઈન્સ લિ.નું કામકાજ વર્ષ 2012માં બંધ થયું હતું. જેટ ઍરવેઝ ઈન્ડિયા લિ.નું કામકાજ વર્ષ 2019માં બંધ થયું હતું. જોકે, કામકાજ ફરી શરૂ કરવાની મંજૂરી તેમને મળી છે. 
વૈશ્વિક સ્તરે હવાઈ પ્રવાસની માગ નબળી જ છે, એવામાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે એ ચિંતાએ ઉડ્ડયન ઉદ્યોગ જોખમમાં છે. 
સિંગાપોર ઍરલાઈન્સ લિ. અને તાતા ગ્રુપની વિસ્તારા હાલ બૉઈંગ લિ. અને ઍરબસ એસઈ સાથે વિમાનની ડિલિવરી મોડેથી કરવા માટે વાતચીત કરી રહી છે તેમ જ ચુકવણીના સમયગાળામાં પણ ફેરફાર કરવાનું કહી રહી છે. દેશની સૌથી મોટી ઍરલાઈન ઈન્ડિગોની પણ કોરોનાને લીધે ખોટ વધી છે. 
ઝુનઝુનવાલાનું કહેવું છે કે, આ ક્ષેત્રમાં અમુક ખેલાડીઓ ફરી ઊભા નહીં થઈ શકે, મારી પાસે વિશ્વના શ્રેષ્ઠ ઍરલાઈન ભાગીદારો છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer