કંપની હસ્તગત કરવા માટે સ્પેક્સ માળખું રજૂ કરવા સેબીની વિચારણા

કંપની હસ્તગત કરવા માટે સ્પેક્સ માળખું રજૂ કરવા સેબીની વિચારણા
આઇપીઓ અને પ્રેફ્રેન્શિયલ ઇસ્યૂ વિશે સુધારણા કરવા થઈ રહેલું મંથન
મુંબઈ, તા. 28  : સ્પેશિયલ પર્પઝ એક્વિઝિશન કંપનીઝ અથવા `સ્પેક્સ' માટે માળખું તૈયાર કરવા વિશે સેબી તમામ શક્યતાઓ તપાસી રહી હોવાનું માર્કેટ નિયામક સેબીના ચૅરમૅન અજય ત્યાગીએ ફિક્કી દ્વારા આયોજિત એક સમારંભમાં જણાવ્યું છે.
આ ઉપરાંત અન્ય અમુક દરખાસ્તો પણ વિચારણા હેઠળ છે,જેમાં બુક બિલ્ડિંગ બાબતે આઇપીઓમાં સુધારણા અને ફિક્સ્ડ પ્રાઇસ ફ્રૅમવર્ક તેમ જ પ્રેફ્રેન્શિયલ ઇસ્યૂ વિશે સુધારણા કરવાની બાબતોનો સમાવેશ થાય છે.
સ્પેક્સમાં રહેલી વ્યવસ્થા બાબતે વ્યક્ત થયેલી ચિંતા વિશે સલાહકાર સમિતિ ચર્ચા કરી રહી છે અને ભારતમાં આ પ્રણાલી શરૂ કરવાથી રોકાણકારોનાં હિતોને જોખમ તો નહીં ઊભું થાય ને, તેની પણ વિચારણા કરવામાં આવી રહી છે, એમ અજય ત્યાગીએ જણાવ્યું હતું.  
વિશેષરૂપે અમેરિકામાં સ્પેક્સનું ચલણ ફરી એકવાર થોડાં વર્ષથી કૅપિટલ માર્કેટમાં લોકપ્રિય બની રહ્યું છે જેમાં પરંપરાગત આઇપીઓ રૂટના સ્થાને કંપની મોટા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરે છે અને તે `બ્લૅન્ક ચેક' કંપની તરીકે ઓળખાય છે. 
આ વ્યવસ્થામાં સ્પેક્સ શેલ કંપનીની જેમ કામ કરે છે અને તેનો મુખ્ય હેતુ નિર્ધારિત સમયની અંદર કંપનીને હસ્તગત કરવાનો હોય છે. 
સામાન્ય ધોરણે સંસ્થાકીય રોકાણકારો કોઇપણ કંપની હસ્તગત કરવા માટે માર્કેટમાંથી મૂડી એકત્ર કરવા માટે બેથી ત્રણ વર્ષનો સમય લેતી હોય છે જ્યારે સ્પેક્સની વ્યવસ્થા હેઠળ નવી મર્જ થયેલી કંપની અથવા સંપૂર્ણ હિસ્સો વેચતી કંપનીના શૅર્સ ખરીદનાર સ્પેક્સ ધારકને જાય છે.નિર્ધારિત સમયમાં જો સ્પેક્સ કંપનીને હસ્તગત કરવામાં નિષ્ફળ જાય તો એકત્ર થયેલી મૂડી વ્યાજ સાથે રોકાણકારને પાછી આપવી પડે છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer