લદાખમાં આમિર ખાન-કિરણ રાવ લાલ સિંહ ચઢ્ઢાની ટીમ સાથે

લદાખમાં આમિર ખાન-કિરણ રાવ લાલ સિંહ ચઢ્ઢાની ટીમ સાથે
આ મહિનાના આરંભમાં છુટાં પડતાં હોવાની જાહેરાત કરનારા આમિર ખાન અને કિરણ રાવ ત્યાર બાદ સાથે જોવા મળતાં સૌને આશ્ચર્ય થયું હતું. હકીકત એ છે કે આમિર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની ટીમ સાથે લદાખમાં શૂટિંગ કરી રહ્યો છે અને કિરણ રાવ ફિલ્મની નિર્માત્રી હોવાથી સાથે છે. આ બંનેએ લદાખના મનોહર વાતાવરણમાં શૂટિંગ કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શિયાળામાં અહીં બરફની ચાદર છવાઈ જાય છે પણ ઉનાળામાં અહીંની સુંદરતા માણવા લાયક હોય છે. અહીંના લોકો પણ મિલનસાર છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. કારગિલમાં માળખાકીય સુવિધા સારી છે એટલે આટલી મોટી ટીમના સમાવેશમાં કોઈ સમસ્યા ન આવી. 
આમિરે ઉમેર્યું હતું કે, મને અહીંથી શૂટિંગના સ્થળે પહોંચતાં એક કલાક લાગે છે. હું નાગા ચૈતન્ય સાથે જાઉં છું અને રસ્તામાં સૌંદર્યને માણું છું.  
ફિલ્મના નિર્માણની કામગીરી સંભાળતી કિરણે જણાવ્યું હતું કે, લદાખમાં શૂટિંગ કરવાની મજા આવે છે. થોડા દિવસ અગાઉ આમિર અને કિરણ ટેબલ ટેનિસ રમતાં હોય એવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમની સાથે દીકરો આઝાદ પણ હતો. આ વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે, લાલ સિંહ ચઢ્ઢાની ટીમે ફ્રૅન્ડલી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજી હતી. 
ટૉમ હૅન્કસની ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક લાલ સિંહ ચઢ્ઢા છે અને તેના દિગ્દર્શક અદ્વૈત ચંદન છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન અને નાગા ચૈતન્ય મુખ્ય ભૂમિકામાં છે. આ વર્ષના નાતાલમાં ફિલ્મ થિયેટરમાં રજૂ થશે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer