એલએલબીની પરીક્ષા રદ કરતો પરિપત્ર પાછો ખેંચાતાં હજારો વિદ્યાર્થીઓને રાહત

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : બાર કાઉન્સિલ અૉફ ઈન્ડિયા દ્વારા આજે મુંબઈ વડી અદાલતને જણાવવામાં આવ્યું હતું કે તેના તરફથી સત્ર (ટર્મ)ના અંતે પરીક્ષા યોજવા માટે ગત 10મી જૂને લૉ કૉલેજો અને વિદ્યાપીઠોને મોકલવામાં આવેલો પત્ર પાછલી તારીખથી નહીં પણ આગામી તારીખથી લાગુ પડશે.
કાઉન્સિલના ધારાશાસ્ત્રી અમિત સાલેએ આજે ન્યાયાધીશો રમેશ ધાનુકા અને રિયાઝ ચાગલાની બનેલી બેન્ચને જણાવ્યું હતું કે ગત 10મી જૂનનો પરિપત્ર પાછલી તારીખથી નહીં પરંતુ આગામી તારીખથી અમલમાં આવશે. તેના પગલે મુંબઈ વિદ્યાપીઠ તરફથી વડી અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે એલએલબીના વિવિધ સત્ર (સેમિસ્ટર)ના 20મી મે, 2020ના દિવસે બહાર પાડવામાં આવેલા, પરિણામોને રદ કરતો પાંચમી જુલાઈ, 2021નો પરિપત્ર પણ રદ કરાશે. વધુમાં એસાઈનમેન્ટના આધારે મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવશે.
કાઉન્સિલએ ગત 10મી જૂને આપેલા નિર્દેશને પગલે મુંબઈ વિદ્યાપીઠે એલએલબીના ત્રીજા વર્ષના બીજા અને ચોથા સેમિસ્ટર તેમ જ પાંચ વર્ષના એલએલબીના કોર્સના બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા સેમિસ્ટરના પરિણામો રદ કર્યા હતા તેથી ગત 26મી જૂને મુંબઈ હાઈ કોર્ટે `કાઉન્સિલ'નો ઉધડો લીધો હતો. ઉપરાંત ગવર્નમેન્ટ લૉ કૉલેજના વિદ્યાર્થી લાટોયા ફર્નસએ મુંબઈ વડી અદાલતમાં અરજી કરી હતી. મુંબઈ વિદ્યાપીઠે પરિપત્ર પાછો ખેંચતા કાયદાશાસ્ત્રના હજારો વિદ્યાર્થીઓને રાહત મળી છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer