પોર્નોગ્રાફી કેસ : કોર્ટે રાજ કુન્દ્રાની જામીન અરજી રદ કરી

પોર્નોગ્રાફી કેસ : કોર્ટે રાજ કુન્દ્રાની જામીન અરજી રદ કરી
મુંબઇ, તા.28 (પીટીઆઇ) : મુંબઇ મેજિસ્ટ્રેટ કોર્ટે પોર્નોગ્રાફી ફિલ્મના નિર્માણ અને કેટલીક એપ્સ મારફત તેના પ્રસારણ સંબંધિત મામલે બિઝનેસમેન રાજ કુન્દ્રાની જામીન અરજી બુધવારે રદ કરી હતી. મુંબઇ પોલીસની ગુના શાખાએ 19મી જુલાઇએ ધરપકડ કરી હતી. કુન્દ્રા સામે ભારતીય દંડ સંહિતા અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. 
મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટે કુન્દ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. કુન્દ્રાએ જામીન અરજી દાખલ કરી હતી.  બુધવારે  એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુધીર ભાજીપાલેએ અરજી રદ કરી હતી. બિઝનેસમેનના આઇટી હેડ રાયન થોરપેના પણ જામીન નામંજૂર કર્યા હતા. 
બોમ્બે હાઇ કોર્ટે મંગળવારે તેમને તત્કાળ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે કેસની તપાસ દરમિયાન કુન્દ્રાએ આર્મ્સપ્રાઇમ મિડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી જેણે લંડનની કેનરિન પ્રાઇવેટ લિમિટેડ મારફત સોશિયલ મિડિયા પર વાંધાજનક વિડિયો અપલોડ કરવા માટે હોટશોટ્સ એપ ખરીદી હતી. 
ગુના શાખાએ આરોપ મૂકયો હતો કે કુન્દ્રાએ હોટશોટ્સ એપ મારફત પાંચ મહિનામાં 1.17 કરોડ રૂપિયાથી વધુની આવક ઊભી કરી હતી. પોલીસે આરોપીના કાર્યાલયમાં છાપેમારી દરમિયાન 51 અશ્લીલ વિડિયો જપ્ત કર્યા હોવાનો દાવો કર્યો હતો. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer