સંયુક્ત વિપક્ષના ચહેરા મુદ્દે દીદીએ કહ્યું, હું જ્યોતિષી નથી

સંયુક્ત વિપક્ષના ચહેરા મુદ્દે દીદીએ કહ્યું, હું જ્યોતિષી નથી
સોનિયા ગાંધી સાથે મમતા બેનરજીની બેઠક

નવી દિલ્હી, તા.28 : પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતીને સીએમ બનનારા મમતા બેનરજીએ બુધવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર હતા. દિલ્હીમાં મમતા બેનરજીએ શરદ પવાર, આનંદ શર્મા સહિતના વિપક્ષી દળના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતનો 2024ની સામાન્ય ચૂંટણીમાં પોતાને પ્રોજેકટ કરવા અને વિપક્ષને એકજૂથ કરવાની કવાયતની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે. આ અગાઉ સંયુક્ત વિપક્ષના ચહેરા અંગે સવાલ પૂછવામાં આવતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, પોતે રાજનીતિક ભવિષ્યવક્તા નથી. વિપક્ષનો ચહેરો સમય અને સ્થિતિ નક્કી કરશે. 

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ ચા ઉપર બોલાવ્યા હતા. આ દરમિયાન પેગાસસ, કોરોના સંક્રમણ વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ વિપક્ષી એકતાને લઈને પણ ચર્ચા કરી હતી.  આ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી પાંચ વર્ષમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને વિપક્ષે એકસાથે મળીને પ્રચાર કરવો જોઈએ કે કેમ ? તેવા સવાલના જવાબમાં મમતાએ કહ્યું હતું કે, એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ જ્યાં વિપક્ષ સાથે મળીને કામ કરે. સંસદ સત્રની બહાર સાથે મળીને કામ કરી શકાય. સંયુક્ત વિપક્ષનો ચહેરો કોણ હોવો જોઈએ તેવા સવાલના જવાબમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેઓ રાજનીતિ ભવિષ્યવક્તા નથી. Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer