મુંબઈ ગુના શાખા દ્વારા ચાર મોબાઇલ ચોરની ધરપકડ : 248 મોબાઇલ જપ્ત

ચોરી કરીને મોબાઇલ ફોન બાંગ્લાદેશ કેમ મોકલાતા હતા? 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.15 : ચોરી થયેલા મોબાઇલ ફોન બાંગ્લાદેશ, નેપાળ કે વિદેશમાં કેમ મોકલી દેવામાં આવે છે એ બાબતે હાલમાં જ પકડાયેલી ટોળકીએ રહસ્ય ઉઘાડું પાડયું છે. ચોરી થયેલા મોબાઇલ ફોન જો દેશમાં હોય તો આઇએમઇઆઇ નંબરથી તેને ટ્રેસ કરવો સરળ બની જતો હોય છે. ચોરી કરાયેલો મોબાઇલ વિદેશ મોકલી દેવાય તો તેને ટ્રેસ કરવો અશકય છે. મોબાઇલ ચોરી કરતી ગૅંગને આ વાતની જાણકારી હોવાથી તેઓ મોબાઇલ ચોરી કરી તેને બાંગ્લાદેશ કે નેપાળમાંના સાગરિતોને વેચી રહ્યા છે. મુંબઈ ગુના શાખાએ સમીર શેખ, મોહમ્મદ વાઝૂ શેખ, મોહસીન અબ્દુલ શેખ અને સની યાદવ એમ ચાર મોબાઇલ ચોરની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 43 લાખ રૂપિયાનાં 248 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી એક લાખ 29 હજાર રૂપિયાના લેપટોપ પણ જપ્ત કરાયા છે. પોલીસે જણાવ્યું હતું કે મુંબઈની લોકલ ટ્રેન અને બેસ્ટની બસમાંથી પ્રવાસીઓના મોબાઇલ ચોરી થતા હોય છે. મુંબઈ ગુના શાખાની ચેંબુર યુનિટને ચોરીના ડઝનેક મોબાઇલ ગોવંડીના એક ઘરમાં હોવાની માહિતી મળી હતી. ગોવંડીમાં ઘટનાસ્થળની તપાસ કરતા ત્યાંથી મોબાઇલ અને લેપટોપ જપ્ત કરાયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ચોરી કરતા નથી. પરંતુ જે મોબાઇલ ચોરી કરે છે તે ટોળકી પાસેથી આરોપીઓ ઓછી કિંમતે મોબાઇલ ખરીદીને તેને પ.બંગાળના માલદામાંના સાગરિતોને મોકલી આપે છે. ત્યાંથી આ મોબાઇલ નેપાળ, બાંગ્લાદેશમાં અને પછી અન્ય દેશોમાં મોકલાય છે. 
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer