મંદિરોનો વહીવટ હિન્દુઓના હાથમાં રહે, સંપત્તિ માત્ર હિન્દુઓ માટે જ વપરાય

આરએસએસના વડા મોહન ભાગવતનું વક્તવ્ય
અમારા પ્રતિનિધિ તરફથી
નાગપુર, તા. 1પ : દશેરા નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પરંપરાગત ભાષણમાં ઓટીટી પ્લેટફોર્મ, ડ્રગ્સ અને બિટકોઈન જેવા મુદ્દાઓ પર નિશાન સાધ્યું હતું અને તેને દેશવિરોધી ગતિવિધિ માટે ફંડિંગનું દોષિત માન્યું હતું. તેમણે કેટલાક મંદિરોના સંચાલનમાં ગેરવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યંy કે કેટલાક મંદિરોમાં લૂંટ ચાલે છે. મંદિરોનું સંચાલન હિંદુઓના હાથમાં રહે અને તેની સંપત્તિનો ઉપયોગ માત્ર હિંદુ સમાજના કલ્યાણ માટે થાય.
મહારાષ્ટ્રના નાગપુર ખાતે વિજયા દશમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં સંઘ પ્રમુખે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન જેવી ગુપ્ત મુદ્રા અર્થતંત્રને અસ્થિર કરી શકે છે. તેમણે દાવો કર્યો કે નિહિત વૈશ્વિક હિત, દેશની પ્રગતિને રોકવાના પ્રયાસમાં છે. ઓટીટી પ્લેટફોર્મ અંગે કહ્યું કે તેના પર શું બતાવવામાં આવી રહ્યું છે? તેના પર કોઈ નિયંત્રણ નથી. દરેક પ્રકારની તસવીરો બતાવવામાં આવી છે, પરંતુ તેના પર નિયંત્રણ કેમ મૂકવું?  કોરોના વાયરસ બાદ હવે બાળકો પાસે પણ મોબાઈલ ફોન છે. હવે તેમને તેની લત લાગી ગઈ છે. કોને ખબર કે તેઓ મોબાઈલમાં શું જુએ છે?
ભાગવતે વધુમાં કહ્યું કે દેશમાં દરેક પ્રકારના ડ્રગ્સ આવી રહ્યા છે. લોકો તેના બંધાણી બની રહ્યા છે. તેને કેવી રીતે રોકવામાં આવે? મને ખબર નથી. લોકો ડરેલા છે અને દરેક જાણે છે કે ડ્રગ્સના વેચાણના નાણાં કયાં જાય છે? તેનો ઉપયોગ વિદેશી દેશો દ્વારા દેશવિરોધી ગતિવિધિ માટે કરવામાં આવે છે. ભાગવતે જનસંખ્યા નીતિ પર પુન:વિચારની પણ જરૂરીયાત દર્શાવી હતી. જનસંખ્યા અસંતુલનને તેમણે મોટી સમસ્યા ગણાવી હતી. આગામી પ0 વર્ષને ધ્યાને લઈ નીતિ ઘડી લાગુ કરવી પડશે. અત્યારે યુવાઓનો દેશ છે, પરંતુ 30 વર્ષ બાદ તેઓ ઘરડા થશે પછી કોણ ખવડાવશે?
તેમણે કહ્યું કે પાણીનો મર્યાદિત ઉપયોગ કરવો પડશે, નહીં તો દરેક માટે સમસ્યા ઉભી થશે. સીંગલ યૂઝ પ્લાસ્ટિકને કાયમ માટે જાકારો આપવાનો સમય આવી ગયો છે, એમ ભાગવતે ઉમેર્યું હતું.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer