બારામતી સહિત 70 સ્થળોએ દરોડામાં રૂા. 184 કરોડની આવકના પુરાવા મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : આવકવેરા વિભાગે મુંબઈના બે રિયલ એસ્ટેટ બિઝનેસ ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા અમુક વ્યક્તિઓ અને સંસ્થાઓ પર દરોડા પાડી તલાશી અને જપ્તી અભિયાન ચલાવ્યું હતું. તલાશી અભિયાન 7 ઓક્ટોબર 2021ને શરૂ થયું હતું અને પુણે, બારામતી, મુંબઈ, ગોવા અને જયપુર મળી 70 સ્થળે ચલાવાયું હતું.
તપાસ દરમિયાન મેળવાયેલા પુરાવાથી પ્રથમ દૃષ્ટીએ અનેક બે હિસાબી  અને બેનામી લેવડદેવડનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન બે ગ્રુપની 184 કરોડ રૂપિયાની બે હિસાબી આવક અને એના પુરાવારૂપે દસ્તાવેજો મળ્યા છે.
તલાશી દરમિયાન આ બિઝનેસ ગ્રુપ દ્વારા કંપનીઓના ફેલાયેલા જાળા અને એની સાથેના વ્યવહારની જાણકારી મળી છે, જે પ્રથમ દૃષ્ટીએ સંદિગ્ધ હોવાનું જણાય છે. ફંડના પ્રવાહના પ્રાથમિક વિશ્લેષણથી સંકેત મળે છે કે બનાવટી શેર પ્રીમિયમની શરૂઆત, સંદિગ્ધ અસુરક્ષિત લોન, અમુક સેવાઓ માટે અસંગત એડવાન્સ મેળવવા જેવા વિવિધ માધ્યમ દ્વારા બેહિસાબી આવક ગ્રુપને થઈ રહી હતી. તપાસમાં જણાયું હતું કે નાણાંનો આવો સંદિગ્ધ પ્રવાહ મહારાષ્ટ્રના એક અતિ વગદાર પરિવારની ભાગીદારીમાં થયો છે.
સંદિગ્ધ રીતે મેળવાયેલા પૈસાનો ઉપયોગ વિવિધ સંપત્તિ પર કબજો મેળવવા માટે કરવામાં આવ્યો છે. જેમકે મુંબઈના પ્રાઇમ લોકેશન પર બિઝનેસ સેન્ટર, દિલ્હીના પૉશ વિસ્તારમાં ફ્લૅટ, ગોવામાં રિસોર્ટ, મહારાષ્ટ્રમાં ખેતીની જમીન, સાકરના કારખાનામાં રોકાણ જેવી બાબતોનો સમાવેશ થા છે. આ મિલકતની બુક વેલ્યુ લગભગ 170 કરોડ રૂપિયા જેટલી છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer