ઈંધણમાં ભાવવધારો યથાવત્ : પેટ્રોલમાં 35 અને ડીઝલમાં 38 પૈસાનો વધારો

નવી દિલ્હી, તા. 15 : સરકારી તેલ કંપનીઓએ દશેરાના મોટા દિવસે પણ પ્રજા પર વાર કરવાનું છોડયું નહોતું અને આજે પેટ્રોલની કિંમતમાં 30થી 3પ પૈસાનો તો ડીઝલમાં 33થી 38 પૈસાનો વધારો ઝીંકાયો હતો. છેલ્લા 1પ દિવસમાં 12 વાર પેટ્રોલિયમના ભાવ વધારવામાં આવ્યા છે.
આજના ભાવવધારા સાથે ઈન્દોરમાં પેટ્રોલની કિંમત રૂા. 113.77 થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં રૂા. 111.09 થઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તો અગાઉ જ પેટ્રોલ રૂા. 116ને પાર થઈ ગયું છે અને જનતા બેહાલ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂા. 10પ.14 તો ડીઝલની કિંમત રૂા. 93.87 છે. મુંબઈમાં ડીઝલના ભાવ પણ વધીને રૂા. 101.78 થઈ ગયા છે. ડીઝલના ભાવવધારાને લીધે અનેક સેવા અને માલના ભાવ વધી રહ્યા છે અને લોકોના તહેવારની મજા બગડી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરનાં વર્ષોમાં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પરના વેરામાં સતત વધારા કર્યા ન હોત તો આજે ક્રૂડના ભાવમાં વધારા છતાં પેટ્રોલ 66 રૂપિયે અને ડીઝલ પપ રૂપિયે મળતું હોત.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer