આર્યન ખાને વીડિયો કોલથી મમ્મી-પપ્પા સાથે વાત કરી

શાહરૂખે મનીઓર્ડરથી રૂા. 4500 મોકલ્યા
મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શીપ કોર્ડિલા પરની ડ્રગ પાર્ટીના સંબંધમાં પકડવામાં આવેલા અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને આર્થર રોડ જેલમાંથી વીડિયો કોલ પર માતા-પિતા સાથે વાત કરી છે અને તેને ઘરેથી 4500 રૂપિયા પણ મની ઓર્ડરથી મળ્યા છે. 
આ ડ્રગ કેસમાં આર્યન ખાનની ત્રણ અૉક્ટોબરના ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે તેને અદાલતી કસ્ટડીમાં રવાના કર્યો ત્યારથી એટલે કે શુક્રવારથી તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. સ્પેશિયલ કોર્ટ તેની જામીન અરજીનો ચૂકાદો 20 અૉક્ટોબરે આપે ત્યાં સુધી તો તે આર્થર રોડ જેલમાં રહેશે. જામીન નહીં મળે તો તેને વધુ સમય જેલમાં વિતાવવા પડશે. 
જેલના અધિકારીઓએ કહ્યું હતું કે કોરોનાના હિસાબે જેલમાં મુલાકાતો પર અત્યારે મનાઈ છે એટલે કેદી અને કાચા કેદી તેમના પરિવાર સાથે વાત કરી શકે એ માટે વીડિયો કોલ કરવાની છૂટ આપવામાં આવી છે. એ માટે જેલ અધિકારીઓએ અમુક સ્માર્ટ ફોન પણ વસાવ્યા છે. કાચા કેદીઓ અઠવાડિયામાં  એક કે બેવાર પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી શકે છે. એ વખતે બાજુમાં એક કોન્સ્ટેબલને પણ ઊભો રાખવામાં આવે છે. આ વીડિયો કોલ બે-ત્રણ દિવસ પહેલા કરવામાં આવેલો. 
અધિકારીએ કહ્યું હતું કે આ નિયમ અનુસાર આર્યન ખાને પિતા શાહરુખ ખાન અને માતા ગૌરી ખાન સાથે વીડિયો કોલ પર સંવાદ કરેલો. 
આર્યન ખાનને જેલની અંદર નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવતું ભોજન જ પીરસવામાં આવે છે. બહારના ભોજનની તેને પરવાનગી નથી. જેલની કેન્ટિનમાંથી એ જરૂરી ખાદ્યસામગ્રી અને અન્ય વસ્તુ ખરીદી શકે એ માટે શાહરુખે તેને 4500 મની ઓર્ડરથી સોમવારે મોકલાવ્યા હતા. આનાથી વધુ રકમ રાખવાની પરવાનગી નથી.  
એ ઉપરાંત આર્યન ખાનનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થતા તેને જેલના બેરેક્સમાં ખસેડવામાં આવ્યો છે અને તેને એન વર્ણાક્ષરથી શરૂ થતો નંબર આપવામાં આવ્યો છે. એનડીપીએસ ઍક્ટ હેઠળ પકડવામાં આવેલા કાચા કેદીઓની અલગ ઓળખ માટે એનથી શરૂ થતો નંબર આપવામાં આવે છે. 
આ ડ્રગ પ્રકરણમાં આર્યન ખાન સહિત 20 જણને પકડવામાં આવ્યા છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer