મહારાષ્ટ્ર બંધ વિરુદ્ધ ભાજપ વડી અદાલતમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : લખીમપુર ખીરી ખાતે ખેડૂતો પર થયેલા હિંસાચારના વિરોધમાં રાજ્યના મહાવિકાસ આઘાડીના પક્ષોએ કરેલી મહારાષ્ટ્ર બંધની હાકલનાવિરોધમાં થાણે ભાજપના ઉપાધ્યક્ષ સુજય પત્કીએ ગુરુવારે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. તેમ જ આ બંધ બંધારણના ઉલ્લંઘન સમાન હોવાની સાથે બંધને કારણે થયોલા નુકસાનની ભરપાઈ મહાવિકાસ આઘાડીના પક્ષો પાસે ભરપાઈ કરાવવાનો આદેશ આપવાની વિનંતી કરવામાં આવી છે.
અરજીમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પાટોળે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત બંધનું એલાન કરી બંધારણીય ઉલ્લંઘન કરવા બદલ, સરકારી માલમત્તાને નુકસાન થવા બદલ અને નાગરિકોએ નાહકનો ત્રાસ ભોગવવો પડયો એ માટે કોર્ટે નુકસાનીની રકમ નક્કી કરવી અને એ કોર્ટમાં જમા કરાવવાની માગણી અરજીમાં કરવામાં આવી છે.
બંધને કારણે નાગરિકો, વેપારીઓની સાથે જાહેર માલમિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં સત્તા હોવા છતાં મહાવિકાસ આઘાડીએ સામાન્ય જનતા પર લાદેલો આ બંધ નાગરિકોના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer