18 વર્ષથી નાના બાળકો પણ લોકલમાં પ્રવાસ કરી શકશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 15 : મુંબઈની લોકલ ટ્રેનોમાં હવે રસી લેવા માટે અપાત્ર 18 વર્ષથી નાના બાળકો પણ હવે પ્રવાસ કરી શકશે. અત્યાર સુધી લોકલ ટ્રેનોમાં રસીના બે ડોઝ લેનારાઓને જ સફર કરવાની છૂટ હતી. 
આ ઉપરાંત જે લોકો તેમની આરોગ્યના કારણસર રસી લઈ નથી શક્યા તેમને પણ લોકલમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે. આવા મુસાફરોએ સાથે એ મતલબનું ડૉક્ટરનું સર્ટિફિકેટ રાખવું અનિવાર્ય છે. રેલવેની ટિકિટ માત્ર કાઉન્ટરો પરથી જ ખરીદી શકાશે. 
જોકે હવે સ્કૂલ કોલેજો શરૂ થઈ હોવાથી 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પણ આ હળવા કરાયેલા નિયમનો લાભ મળશે. આ નિર્ણયને લીધે શૈક્ષણિક સંસ્થાઓને ફરી ધમધમતી કરવામાં મદદ મળશે. 18 વર્ષથી નીચેનાને હવે મૉલ, મંદિર, હોટેલ, સભાગૃહ, લગ્નની વાડી અને મલ્ટિપ્લેક્સમાં પણ પ્રવેશ મળશે. 
મહારાષ્ટ્રમાં સારાવાર હેઠળના કોરોનાના દરદીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકારે બીજા અમુક નિયમો પણ હળવા કરવાની જાહેરાત કરી છે. બંધિયાર હોલમાં સાટિંગ કેપિસિટીના 50 ટકાની હાજરીની અથવા વધુમાં વધુ 200ની હાજરીની સરકારે અત્યારે છૂટ અપાઈ હતી. જોકે હળવા કાયેલા નિયમમાં 200ની મર્યાદા કાઢી નાખવામાં આવી છે અને હવે બંધિયાર હોલની ક્ષમતા પ્રમાણે 50 ટકા લોકો હાજરી આપી શકશે. વધુમાં વધુ 200 માણસોની હાજરીની મર્યાદા નીકળી ગઈ હોવાથી મોટા હોલવાળાને લાભ થશે. 
જોકે સરકારે કહ્યું છે કે હોલમાં સમારંભના આયોજકો અને હાજરી આપનારાઓએ રસીના બે ડોઝ લીધા હોવા જોઈએ. સરકારી નિયમોનો ભંગ કરનાર આયોજક અને હોલવાળાને પચ્ચાસ હજારનો દંડ થઈ શકે છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer