અફઘાનિસ્તાનમાં ફરી મસ્જિદમાં વિસ્ફોટ : 32નાં મોત, અનેકને ઈજા

કાબુલ, તા. 15 : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લઘુમતી શિયા સમુદાય પર હુમલાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે કંધારની શિયા મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 32ના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. વિસ્ફોટના સમયે મોટી સંખ્યામાં લોકો નમાજ માટે એકત્ર થયા હતા. મૃતકોની સંખ્યામાં વધારો થવાનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે પણ કુંદુજમાં એક શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 50થી વધુનાં મોત થયાં હતાં.
ટોલો ન્યૂઝે સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ વિસ્ફોટ કંધાર શહેરના પુલીસ ડિસ્ટ્રીક્ટ વન (પીડી-1)ની એક મસ્જિદમા થયો હતો. આ મસ્જિદ બીબી ફાતિમા મસ્જિદ કે ઈમામ દરગાહના નામથી જાણીતી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિસ્ફોટ નમાજ દરમ્યાન થયો હતો. નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે આ ધડાકામાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયાં હતાં.
હજુ સુધી કોઈ આતંકવાદી સમૂહે ઘટનાની જવાબદારી લીધી નથી. આમ છતાં માનવામાં આવે છે કે આ વિસ્ફોટ પાછળ અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસઆઈએસ-ખોરાસાન જૂથનો હાથ હોઈ શકે છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer