ખેડૂતોના ધરણા સ્થળે હત્યા

સિંઘુ સરહદ નજીકની ઘટનાથી  ચકચાર : નિહંગો પર આક્ષેપ
નવી દિલ્હી, તા.15 : દિલ્હી-હરિયાણા સરહદે કેન્દ્રીય કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કિસાનોના ધરણા સ્થળ નજીક આજે વહેલી સવારે એક યુવકનો બર્બરતાપૂર્ણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યા બાદ ચકચાર મચી છે. માર્યા ગયેલા યુવક પર ગુરુ ગ્રંથ સાહિબથી છેડછાડનો આરોપ છે. 
હરકતમાં આવેલી પોલીસે જણાવ્યું હતું કે હત્યાની કલમો હેઠળ કેસ નોંધી લેવાયો છે અને ટૂંક સમયમાં ધરપકડો હાથ ધરવામાં આવશે. બીજીતરફ સંયુક્ત કિસાન મોરચાએ આજે બપોરે એક નિવેદનમાં આ હત્યા સાથે તેને કોઈ સંબંધ ન હોવાનું જાહેર કર્યું હતું અને દાવો કર્યો હતો કે ઘટનાની જવાબદારી નિહંગ સમૂહે લીધી છે અને દોષી નિહંગો સામે કાર્યવાહી કરવામાં આવે.
સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે પંજાબના લખબીરસિંહની આજે સવારે સિંઘુ સરહદે હત્યા કરવામાં આવી છે. આ ઘટના સાથે મોરચાને લેવા-દેવા નથી.
ઉલ્લેખનીય છે કે કિસાનોના જ્યાં ધરણા ચાલી રહ્યા છે તે સોનીપત જિલ્લાની સિંઘુ સરહદે આજે સવારે વિરોધ-પ્રદર્શનના મુખ્યસ્થળની પાછળ બેરિકેડ પર એક યુવકનો મૃતદેહ બાંધેલી હાલતમાં અને લટકેલો મળી આવ્યો હતો. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
મૃતકની ઓળખ કરવામાં આવી છે અને તે પંજાબના તરનતારનનો રહેવાસી 35 વર્ષીય લખબીર સિંહ છે. પ્રાથમિક અહેવાલો મુજબ `િનહંગ' તરીકે ઓળખાતા યોદ્ધા શીખ સમૂહ પર આ હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં નિહંગો આ શખ્સ સાથે નજરે પડી રહ્યા છે. મૃતકનો હાથ પણ કાપી નાખવામાં આવ્યો હતો.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer