કેફી દ્રવ્યોના નામે મહારાષ્ટ્રને બદનામ કરવાનું કાવતરું છે

કેફી દ્રવ્યોના નામે મહારાષ્ટ્રને બદનામ કરવાનું કાવતરું છે
શિવસેનાની રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : આખા જગતમાં ચરસ-ગાંજાનો વેપાર ચાલે છે. આમ છતાં દરોડા પાડીને એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં કેફી દ્રવ્યોનું જાણે `વૃંદાવન' હોય. મહારાષ્ટ્રને બદનામ કરવાના પ્રયાસો સાંખી નહીં લેવાય એમ શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું છે. શિવસેનાની દશેરા નિમિત્તે ષણમુખાનંદ હૉલમાં યોજાયેલી રૅલીને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું હતું કે હાલ જે રમત ચાલે છે તે સત્તા માટે જ છે. અદાણી-મુંદ્રા બંદરથી કરોડો રૂપિયાના કેફી દ્રવ્યો મળ્યા છે તે વિશે કોઈ કશું બોલતું નથી. માત્ર સેલીબ્રિટીઓને પકડીને ઢોલ પીટવાનું કામ થાય છે.
કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા દરોડા અંગે ઠાકરેએ જણાવ્યું હતું કે કોઈના ઉપર વ્યક્તિગત કે પરિવારજનો ઉપર ખોટા આરોપ મૂકવા તેને નામર્દપણું કહેવાય છે. આ બાબત હિન્દુત્વ નથી.
મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિગ્રસ્તોને મેં પુષ્કળ મદદ કરી છે. ગત જૂન-જુલાઈમાં 11500 કરોડ આપ્યા હતા. ગત સપ્તાહે 10,000 કરોડ રૂપિયા આપ્યા છે. કોરોનાના ટાણે લોકોને રોજગારી મળે એ હેતુથી અમે ઉદ્યોગધંધા ચાલુ રાખ્યા હતા. ધારાવીમાં અમે જાગતિક દરજ્જાનું આર્થિક કેન્દ્ર બાંધશું. ધારાવીનું અમે પુનર્વસન કરશું દિલ્હીમાં છે એવું લશ્કરનું ભવ્ય સંગ્રહાલય અમે બાંધશું.
આપણા બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. કેન્દ્રની જેમ રાજ્યો પણ સાર્વભૌમ છે. માત્ર કટોકટી, વિદેશી આક્રમણ અથવા વિદેશ સાથેના સંબંધો એ બાબતમાં કેન્દ્ર સરકારને વધુ અધિકાર અપાયા છે. આ બાબતે વિપક્ષો નહીં પરંતુ દેશના કાયદાનિષ્ણાતો અને બુદ્ધીજીવીઓએ ચર્ચા ઉપાડવી જોઈએ. જો તેઓ કહેશે કે કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા છે અમે તે સ્વીકારશું.
કેન્દ્રના વહાણવટા ખાતાના પ્રધાન સર્વાનંદ સોનોવાલે બધા બંદર-ગોદીને સીએસઆરનો 75 ટકા રકમ ગુજરાતને આપવાનો આદેશ આપ્યો હતો. આ બાબત ગુજરાત માટે નમતુ જોખવાની અને પક્ષપાતની છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગુજરાતને 350 ટકા વધુ નાણાંની ફાળવણી કરવામાં આવી તે અંગે `કૅગ' દ્વારા પણ ટીપ્પણ કરવામાં આવી છે.
શિવસૈનિકો માટે દેવ, દેશ અને ધર્મ અગત્યનો છે. જેઓ અંગ્રેજોની જેમ `ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ આચરે છે તેઓ હિન્દુત્વવાદી નથી જેઓ મરાઠી અને બિનમરાઠી એવા ભાગલા પાડે છે તેઓ હિન્દુવાદી નથી. પ. બંગાળવાસીઓએ ઉત્તમ કામ કર્યું છે. મુંબઈ પાલિકાની ચૂંટણી ટાણે તમારે પણ એ કામ કરવાનું છે.
ભાજપ કે તેના સાથી સંગઠનોનું નામ લીધા વિના ઠાકરેએ કહ્યું હતું કે સાવરકર શબ્દ ઉચ્ચારવાની તમારી પાત્રતા છે? ગાંધી શબ્દ બોલવાની યોગ્યતા છે? `મા મરો અને ગાય જાગો' એ હિન્દુત્વ નથી. આરએસએસના વડા મોહન ભાગવત કહે છે. ટોળા દ્વારા થતી હિંસા કરનારા હિન્દુ નથી.  તો પછી હિન્દુત્વ શું છે? કોણે શીખવવાનું? હિન્દુત્વને જોખમ નથી એ સત્ય હોય તો હિન્દુત્વને જોખમ હતું ત્યારે એક જ મર્દ બાળ ઠાકરે હિન્દુત્વના દુશ્મન સામે ઊભા હતા.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer