ભારતમાં ભૂખમરાની સ્થિતિ ઓર વણસી

ભારતમાં ભૂખમરાની સ્થિતિ ઓર વણસી
વૈશ્વિક સૂચકાંકમાં 101મા સ્થાને પહોંચ્યું : પાકિસ્તાન અને બાંગલાદેશથી પણ પાછળ
નવી દિલ્હી, તા. 15 : ભારતમાં ભૂખમરાની પરિસ્થિતિ ઓર વણસી છે. 116 દેશના વૈશ્વિક ભૂખમરા સૂચકાંક (જીએચઆઈ) 2021માં ભારત 94મા સ્થાને ખસકીને 101મા ક્રમે પહોંચી ગયું છે અને પોતાના પડોશી દેશો પાકિસ્તાન, બાંગલાદેશ અને નેપાળથી પણ પાછળ છે ! ભૂખમરા સૂચકાંકના અહેવાલમાં જણાવાયું છે કે ભારતના લોકો કોરોના અને તેને લઈને લદાયેલા પ્રતિબંધોને લીધે મોટા પાયે અસરગ્રસ્ત બન્યા છે.
આયરિશ એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન ઓર્ગેનાઈઝેશન વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અહેવાલમાં ભારતમાં ભૂખમરાના સ્તરને ચિંતાજનક બતાવાયું છે. અહેવાલ અનુસાર, ગયા વર્ષે ભારત 94મા સ્થાને હતું અને હવે 101માં સ્થાને છે. જ્યારે નેપાળ અને બાંગલાદેશ 76મા સ્થાને મ્યાનમાર 71મા સ્થાને અને પાકિસ્તાન 92મા સ્થાને છે અને આ તમામ દેશો ચિંતાજનક સ્તરમાં છે. ભૂખમરાની સૂચિમાં ભારતથી ખરાબ સ્થિતિ પાપુઆ ન્યુ ગિની, અફઘાનિસ્તાન, નાઈજીરિયા, ચાડ જેવા દેશોની જ છે. ચીન, બ્રાઝિલ અને કુવૈત સહિત 18 દેશે ટોચનો રેન્ક મેળવ્યો છે. ભારતનો ભૂખમરાનો સ્કાર 27.5 છે.
દરમ્યાન, ભારતમાં ભૂખમરાની ખરાબ સ્થિતિના અહેવાલને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો અને લખ્યું હતું કે ગરીબી અને ભૂખમરો ખતમ કરી દેવા બદલ અને ભારતને વૈશ્વિક પાવર બનાવવા બદલ અભિનંદન.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer