સોનાના ભાવમાં ક્રમશ : ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 1 : વૈશ્વિક સોનાના ભાવ 1800 ડોલરની અંદર સાંકડી રેન્જમાં અથડાઇ ગયા છે. ઇન્ટ્રા ડેમાં 1776 સુધી ઘટાડો થયા પછી બોન્ડ યીલ્ડ નબળા પડવાથી 1784 ડોલર સુધી વધ્યું હતુ. ઓમિક્રોન વેરિયન્ટના ફફડાટને લીધે નીચાં મથાળે ખરીદી આવી રહી છે.ચાંદીનો ભાવ આ લખાય છે ત્યારે 22.89 ડોલર રનીંગ હતો. 
સોનું મંગળવારે એક મહિનાની તળિયાની સપાટીએ પહોંચ્યું હતુ. ફેડ ચેરમેન જેરોમ પોવેલ બોન્ડની ખરીદી હવે અટકાવી દેવા અંગે ચર્ચા કરી રહ્યા છે. લગભગ ડિસેમ્બર મહિનામાં શરૂઆત કરવામાં આવશે તેવા સંકેતો બજારને મળતા વેચવાલી વધી હતી. જોકે આ અંગે સ્પષ્ટતા કરી ન હતી. ફુગાવા અંગે પણ ફેડનો કોઇ નક્કર સૂર આવતો નથી. ફેડના વાઇસ ચેરમેન રિચાર્ડ ક્લેરિડા કહે છે, ફુગાવો નીચે લાવવાનું કામકાજ અતિ મહત્વનું છે. સેન્ટ્રલ બેંકનો 2 ટકા દરનો લક્ષ્યાંક છે તેને વળગી રહેવામાં આવશે. ફેડ દ્વારા બોન્ડની ખરીદી અટકાવી દેવામાં આવે અને વ્યાજદર પણ આવતા વર્ષે વધારવામાં આવે તો બોન્ડના યીલ્ડની સાથે ડોલરના મૂલ્યમાં પણ સુધારો થશે. એ સંજોગમાં સોનાનો ભાવ ઘટી શકે છે. 
બુલિયન બજારને ટેકો આપતા હોય તેમ 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડમાંસામાન્ય ઘટાડો થયો હતો. પાછલા ત્રણ સપ્તાહની તળિયાની સપાટી જોવા મળી હતી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.350ના ઘટાડામાં રૂ. 49450 અને મુંબઇમાં રૂ. 294 ઘટતા રૂ. 47807 હતો. ચાંદીનો ભાવ એક કિલોએ રૂ. 63000 અને મુંબઇમાં રૂ. 62069ની સપાટીએ સ્થિર હતો. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust