મમતાને કૉંગ્રેસનો જવાબ : અમારા સાથ વગર ભાજપની હાર શક્ય નથી

મુંબઈ, તા. 1 : તમામ પ્રાદેશિક પક્ષો એકજૂટ થઈ જાય, તો ભાજપને પરાજય આપવો ખૂબ સરળ બની જશે તેવું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે જણાવ્યું હતું. મુંબઈની મુલાકાતે પહોંચેલા તૃણમૂલ સુપ્રીમો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સમાન વિચારધારાવાળા પક્ષો સાથે જોડાણના પ્રયાસરૂપે એનસીપી, શિવસેના નેતાઓને મળ્યા હતા. 
માત્ર પ્રાદેશિક પક્ષોને સંગઠિત થવાના સૂચનવાળા મમતાના નિવેદન પર પલટવાર કરતાં કોંગ્રેસ તરફથી મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસના સાથ વિના ભાજપને હાર આપવી એ માત્ર એક સ્વપ્ન સમાન છે. જે કદી પૂરું નહીં થઈ શકે. 
દરમ્યાન, ભાજપ સામે વિપક્ષી જોડાણનું નેતૃત્વ કરશો કે કેમ, તેવું પૂછતાં બેનરજીએ કહ્યું હતું કે, હું તો એક નાની કાર્યકર છું અને એજ રૂપમાં કામ કરવા માગું છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે પ્રહાર કરતાં બંગાળી વાઘણે કહ્યું હતું કે, રાજનીતિમાં સતત પ્રયાસ જરૂરી છે. આપ વધુ સમય વિદેશમાં રહી શકતા નથી.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer