આંદોલન પર ખેડૂતોમાં મતભેદ; 40 સંગઠનની બેઠક રદ

નવી દિલ્હી, તા. 1 : આંદોલનનો અંત લાવવા મુદ્દે કિસાનોમાં  મતભેદ સામે આવ્યા છે. રાકેશ ટિકૈત આંદોલન જારી રાખવા મક્કમ છે, તો પંજાબનાં  અનેક કિસાન સંગઠનો ઘરવાપસીની તરફેણ સામે તૈયારી પણ કરી ચૂક્યા છે. આંદોલનકારી કિસાનોના 40 સંગઠનની બુધવારે  નિર્ધારિત બેઠક પણ રદ થઇ ગઇ હતી. હવે ચોથી ડિસેમ્બરના યોજાનારી સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આગળ પરની રણનીતિ અંગે ફેંસલો લેવાશે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, એમએસપી ગેરંટી, વીજળી કાયદો સહિત અન્ય અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર રાજી ન થાય, ત્યાં સુધી આંદોલન પાછું નહીં ખેંચાય.
બીજી તરફ, સિંધુ અને ગાઝીપુર સીમાઓ પરથી મોટી સંખ્યામાં કિસાનો આજે ઘરની વાટ પકડતા દેખાયા હતા. બંને મોરચા પરથી કિસાનોની સંખ્યા ઘટી રહી છે. એટલું જ નહીં, પરંતુ સિંઘુ સીમા પર છેલ્લાં એક વર્ષથી ધમધમતું લંગર હવે બંધ થઇ ગયું છે, જે ગુરુદ્વારા સાહેબ રિવર સાઇડ, કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા યોજિત હતું. લંગરના આયોજકો પાંચ ટ્રકમાં ટ્રકોમાં સામાન ભરી પંજાબ પાછા ચાલ્યા ગયા છે. આ લંગરની શરૂઆત બરોબર એક વર્ષ પૂર્વે પહેલી ડિસેમ્બર, 2020ના દિવસે થઇ હતી.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer