યુપીએનું અસ્તિત્વ નથી : મમતા ભાજપ વિરોધી પક્ષો સાથે આવે : પવાર

યુપીએનું અસ્તિત્વ નથી : મમતા ભાજપ વિરોધી પક્ષો સાથે આવે : પવાર
દીદી-પવારની મુલાકાત; ત્રીજા મોરચાની શરૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મું બઈની ત્રણ દિવસની મુલાકાતે આવેલા બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજી આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને મળ્યા હતા. પવારના નિવાસ સ્થાને મળેલી આ બેઠક બાદ દીદીએ કહ્યું હતું કે, કૉંગ્રેસની આગેવાની હેઠળના યુપીએનું અસ્તિત્વ જ નથી. રાહુલ ગાંધી મોટા ભાગનો સમય વિદેશમાં જ હોય છે. તેથી કૉંગ્રેસમાં નેતૃત્વનો જ અભાવ છે. મરાઠા નેતા પવારે પણ આડકતરી રીતે યુપીએના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ભાજપને મહાત કરવા તમામ વિરોધી પાર્ટીઓએ એક થવાની જરૂર છે. આ રીતે બંને નેતાઓએ કૉંગ્રેસ અને ભાજપ વિહોણા ત્રીજા મોરચાની શરૂઆત કરી હોવાની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે શરૂ થઈ છે.
મમતા બેનરજીએ બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કૉંગ્રેસને એવું સૂચન કર્યું હતું કે સમાજની અગ્રગણ્ય પ્રતિભાઓની બનેલી સલાહકાર સમિતિ વિપક્ષને દિશાસૂચન કરવા ઊભી કરવી જોઈએ પરંતુ આ યોજના સાકાર થઈ નહોતી.
જો તમામ પ્રાદેશિક પક્ષો એક થઈ જાય તો ભાજપને હરાવવું સરળ થઈ શકે એમ મમતાએ અત્રે સમાજના નાગરિકો સાથે સંવાદ કરતાં કહ્યું હતું. આપણે એમ કહેવા ઇચ્છીએ છીએ કે ભાજપ હટાવ, દેશ બચાવ. ટીએમસી ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી નહીં લડે.
`હું મારો વિપક્ષ પોતાની વ્યૂહરચના ઘડે એવું ઇચ્છતી નથી એટલે હું વધુ કહેવા માગતી નથી' એમ મમતાએ જણાવ્યું હતું.
મમતા બેનરજી ટીએમસી અને કૉંગ્રેસના સંબંધોમાં આવેલી કડવાશ વચ્ચે મુંબઈના ત્રણ દિવસના પ્રવાસે આવેલા છે જે દરમિયાન તેઓ શિવસેના અને એનસીપીના નેતાઓને મળી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં પોતાના પક્ષને પશ્ચિમ બંગાળમાં મળેલા ભારે વિજય બાદ ટીએમસીએ ઘણા કૉંગ્રેસ નેતાઓને પોતાની તરફ ખેંચી લીધા છે. તાજેતરમાં મેઘાલયના 17માં 12 કૉંગ્રેસી વિધાનસભ્યો ટીએમસીમાં જોડાઈ ગયા હતા અને મેઘાલયમાં ટીએમસી મુખ્ય વિપક્ષ બની ગઈ હતી.
ભાજપ સામે વિપક્ષની આગેવાની લેશો કે એવા સવાલના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે, `હું તો એક નાની કાર્યકર છું અને એવી રીતે જ રહેવાનું પસંદ કરીશ.'
રાજકારણમાં અવિરત પ્રયાસો જરૂરી બને છે. તમે વધુ સમય સુધી વિદેશમાં રહી શકો નહિ.' એમ તેમણે રાહુલ ગાંધી પર આડકતરો પ્રહાર કરતાં જણાવ્યું હતું. બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપ સુરક્ષિત નથી અને હાલ દેશને સુરક્ષિત રાખવાની જરૂર છે.
`તમારા કાર્યકરો અને કેડરમાં વિશ્વાસ રાખો. ત્રણ કૃષિ કાનૂન પાછા ખેંચવામાં આવ્યા અને સંસદમાં ચર્ચાની છૂટ ન અપાઈ. શા માટે? કારણ કે તેઓ ગભરાતા હતા અને ત્રણ કૃષિ કાયદા ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં લઈને પાછા ખેંચવામાં આવ્યા છે' એમ મમતાએ જણાવ્યું હતું.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer