માતા-પિતાની દુનિયા તેમના સંતાનો હોય છે. તેઓ પોતાની ઇચ્છાઓ અને મોજશોખને કોરાણે મૂકીને સંતાનોની દરેક ઇચ્છા પૂરી કરતા હોય છે અને તેમને પ્રેમથી ઉછેરે છે. પરંતુ કયારેક એવું થાય છે કે મોટા થયા પછી સંતાનો માતાપિતાની બિલકુલ પરવા નથી કરતા અને તેમને બોજ માને છે. કલર્સ પરથી શરૂ થનારી નવી સિરિયલ સ્વર્ણ ઘરમાં આવા જેક દંપતીની વાર્તા છે જેણે પોતાના ભવિષ્યને બદલે સંતાનોની જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપ્યું. પણ પાછલી વયે જ્યારે તેમને સંતાનોની જરૂર હતી ત્યારે જ તેઓ માતા-પિતાથી વિમુખ થઈ ગયા. આ સિરિયલમાં ટેલિવિઝનનો સુપરસ્ટાર ગણાતો રોનિત રોય અભિનેત્રી સંગીતા ઘોષ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોનિત કવલજીતનું પાત્ર ભજવશે જે પ્રેમાળ પિતા હોય છે અને પોતાની જરૂર કરતાં બાળકોની ખુશીને કેન્દ્રમાં રાખતા હોય છે. આ પાત્રમાં જે વિવિધ શેડ્સ છે તેને રોનિત સારી રીતે વ્યક્ત કરશે. રોનિતે જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ હું ટેલિવિઝન પર પુનરાગમન કરું છું. કવલજીત પ્રેમાળ પિતા છે જેણે પરિવારને કયારેય સીમાઓમાં બાંધ્યો નથી તથા સંતાનોને ઉડવા આકાશ આપ્યું છે. હું સ્વર્ણ ઘરમાં આદર્શ પિતા, પતિ અને મિત્રનું પાત્ર ભજવવા આતુર છું.
Published on: Thu, 20 Jan 2022