વૈશ્વિક સોના-ચાંદીમાં ફરીથી ઉછાળો

વૈશ્વિક સોના-ચાંદીમાં ફરીથી ઉછાળો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 19 : વૈશ્વિક સોનું ગઇકાલે સપ્તાહની નીચી સપાટીએ ગયા પછી ભાવ વધીને સ્થિર થયા હતા. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1817 ડોલર અને ચાંદી 23.72 ડોલરની સપાટીએ રનીંગ હતી. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારાવ્યાજદરમાં વધારો આવવાની અપેક્ષા હોવાથી બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડ ઉંચા છે અને એ કારણે સોનાની સલામત રોકાણ માટેની માગમાં ઘટાડો થયો છે.  
મંગળવારે ટ્રેઝરી યીલ્ડ બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા પછી આજે સ્થિરતા હતી. જોકે હવે ફેડ ફુગાવા સામે આક્રમક પગલા લે તેવી શક્યતા છે એટલે જ યીલ્ડ સુધરી રહ્યા છે. એકતરફ અમેરિકામાં મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ ક્રૂડ તેલના ભાવ સાતવર્ષની ઉંચી સપાટીએ પહીં જતા સોનામાં ઘટાડો ટકી શક્યો નથી. રશિયામાં ભૂરાજાકિય કટોકટી જેવી સ્થિતિ ચાલી રહી હોવાથી ક્રૂડને ટેકો મળ્યો છે. જોકે ક્રૂડ તેલની તેજી લાંબી ચાલે તેમ નથી. 
બ્રિટનમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન પણ ડિસેમ્બરમાં 5.4 ટકા સુધી વધીને આવ્યો છે. નવેમ્બરમાં આ ટકાવારી 5.1 ટકાની હતી. માર્ડ 1992 પછી ટોચનો આંક જોવા મળ્યો છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશો ફુગાવા સામે ઝઝૂમી રહ્યા છે એટલે ત્યાં દર વધી રહ્યો છે. વ્યાજદરમાં પણ બન્ને દેશો ઝડપભેર વધારો કરે તેવી શક્યતા દેખાય રહી છે. 
વિષ્લેષકોના મતે સોનાનો ભાવ આવનારા દિવસોમાં ડોલર, યીલ્ડ અને વ્યાજદર જેવા કારણોથી ઘટી શકે છે. તેજી તરફ ધક્કો મારનારું એક જ કારણ છે ફુગાવો. ફુગાવો વધી રહ્યો છે એ સામે કોઇ પગલાં લેવામાં મધ્યસ્થ બેંકો સફળ નહીં રહે તો સોનામાં ફરીથી 1850 ડોલરનો ભાવ જોવા મળી શકે છે.રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.100 વધતા રૂ. 49680 અને ચાંદીનો ભાવ એક કિલોએ રૂ.1500 વધતા રૂ. 63700 હતો. મુંબઇમાં સોનું રૂ. 128 વધીને રૂ. 48250 અને ચાંદી રૂ. 1955 ઉંચકાતા રૂ. 63557 રહી હતી. 
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer