મંડાલે-અંધેરી વચ્ચેના મેટ્રો-રબી પ્રકલ્પને કારણે જૂહુ ઍરપૉર્ટને જોખમ

મુંબઈ વડી અદાલતે અહેવાલ મંગાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મેટ્રો-2બી (માનખુર્દ મંડાલેથી અંધેરી ડી. એન. નગર) પ્રોજેક્ટને લીધે જુહુ ઍરપૉર્ટ અૉથોરિટીને સંભવિત જોખમ હોવાથી એના વિરોધમાં મુંબઈ હાઈ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ માર્ગને લીધે એરપોર્ટના કાલ્પનિક ફનેલ ઝોનમાં અવરોધ આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અદાલતે આ અપીલની નોંધ લઈને નાગરી વિમાન પરિવહન વિભાગના સચિવોને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
મેટ્રો-2બી મંડાલેથી ડી. એન. નગર વચ્ચે જમીન પર દોડવાની છે અને જુહુ ઍરપૉર્ટ માર્ગે એને એસ. વી. રોડ સાથે જોડવામાં આવશે. આ પ્રકલ્પને ઍરપૉર્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયાએ 2017માં મંજૂરી આપી હતી અને કામની શરૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ આ પ્રોજેક્ટને લીધે ઍરપૉર્ટના ફનેલ ઝોનમાં અવરોધ આવતો હોવાનો દાવો કરીને જુહુના સામાજિક કાર્યકર હરિત દેસાઈએ મુંબઈ હાઈ કોર્ટમાં એડવૉકેટ નિશાંત ઠક્કર અને જસ્મીન અમલસાડવાલા મારફત અરજી દાખલ કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ મંગળવારે આ અરજી પર સુનાવણી થઈ હતી. મેટ્રોને લીધે વિમાન ઊડાણમાં અવરોધ આવવાની શક્યતા હોવાથી નાગરી ઉડયન મંત્રાલયે 2015માં ઘડેલા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું અરજદારોના વકીલોએ અદાલતને જણાવ્યું હતું. રાજ્ય સરકાર વતી એડવૉકેટ જનરલ આશુતોશ કુંભકોણી અને એડવૉકેટ અક્ષય શીંદેએ અરજીનો વિરોધ ર્ક્યો હતો અને નાગરી વિમાન પરિવહન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ પ્રકલ્પની સમીક્ષા અને સાઈટ વિઝિટ પણ કરી હોવાનું જણાવ્યું હતું.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer