નવી દિલ્હી, તા. 19 : દેશ દુનિયામાં ફરી વધી રહેલા કોરોના વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ઉડાનોના પ્રતિબંધને હવે 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી દીધો છે. આ અંગેના એક સત્તાવાર પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન પર લાગુ રહેશે નહીં. આ ઉપરાંત એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, બબલ એગ્રીમેન્ટ હેઠળ ચાલી રહેલી ફ્લાઈટ્સ પહેલાંની જેમ જ ચાલતી રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેર વચ્ચે માર્ચ-2020થી જ નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ કરવામાં આવી હતી. લોકડાઉન સંબંધી પ્રતિબંધો ધીરે-ધીરે હળવા બનાવાયા બાદ જેમ-જેમ કોરોનાના મામલા ઓછા થતા ગયા અને રસીકરણમાં ગતિ આવી અન્ય દેશોની સાથે `એર બબલ' વ્યવસ્થાની સાથે ભારત ફ્લાઈટનું સંચાલન કરી રહ્યું હતું.
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો 31 જાન્યુઆરી, 2022 સુધી રદ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, દુનિયામાં કોરોનાના વધી રહેલા મામલાઓને કારણે ભારત 31 જાન્યુઆરી, 2022 સુધી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરશે નહીં.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની વધતી ચિંતા વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય ઉડાનોને ફરીથી શરૂ કરવાના નિર્ણય પર રોક લાગવાની અગાઉથી જ આશંકા હતી.
Published on: Thu, 20 Jan 2022
આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયો
