લીંબુનો નવો પુરવઠો વધતાં ભાવ તૂટયા

લીંબુનો નવો પુરવઠો વધતાં ભાવ તૂટયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : લીંબુની આવકો વધવાથી ભાવ 50 ટકા જેવા ઘટયાં છે. 
વાશીની જથ્થાબંધ બજારમાં લીંબુના કિલોએ ભાવ ઘટીને રૂા. 50-70 થયાં છે, જે એપ્રિલના મધ્યમાં રૂા. 100-160 હતો. રિટેલમાં પણ ભાવ રૂા. 200-250થી ઘટીને રૂા. 100-120 આસપાસ છે. એમ લીંબુના જથ્થાબંધ વેપારી ચન્દ્રકાન્ત મહામૂલકરનું કહેવું છે.
લીંબુની આવકો વધવાથી ઐતિહાસિક સ્તરે સ્પર્શેલા ભાવની ગતિ ઘટવા તરફ રહી છે. હાલમાં આંધ્ર પ્રદેશથી લીંબુની રોજની 5-6 ગાડી (લગભગ 60-70 ટન)ની આવક થઈ રહી છે. હવે કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્રના વિદર્ભ, પંઢરપુર અને ગુજરાતથી પણ થોડો થોડો માલ આવી રહ્યો છે. 
મુંબઈમાં હોટેલ-રેસ્ટોરાં અને કેટરિંગની માગ વધીને રોજની 15-20 ટનની થઈ છે. રમઝાન નિમિત્તે લીંબુની માગ હતી તે હવે ઓસરી છે. અત્યારે મહદઅંશે લીલારંગના લીંબુ આવે છે. અથાણાં બનાવવા માટે ઉત્પાદકો પીળારંગના લીંબુનો ઉપયોગ કરે છે. તેથી હાલ અથાણાં બનાવતી ફેક્ટરીઓની માગ નથી. ચોમાસામાં લીંબુની આવક વધુ અને ભાવ ઓછા હોય છે. તેથી અથાણાં બનાવતી ફેક્ટરીઓની માગ ત્યારે વધુ હોય છે. ચોમાસું શરૂ થાત ત્યાં સુધી લીંબુની બજાર આ સ્તરે જળવાઈ રહેશે. વરસાદ જામ્યા બાદ માગ થોડી ઓછી થતાં ભાવ હજી ઘટશે.
મધ્યમ અને નાના કદના લીંબુની આવકો વધી છે. રિટેલ બજારમાં નાના કદના લીંબુ 10 રૂા. ના 7 નંગ, મધ્યમ કદના રૂા. 10ના 4-5 નંગ અને મોટા કદના રૂા. 20ના 4 નંગ નો ભાવ બોલાય છે. અતિશય મોટા કદના લીંબુનો માલ જૂજ પ્રમાણમાં આવે છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer