નવી દિલ્હી, તા. 22 : વર્તમાન પાક વર્ષ (જુલાઈ, 2021 - જૂન, 2022)માં અનાજનો પાક વિક્રમ 3145 લાખ ટન થયો હોવાનો અંદાજ છે. કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા અંદાજ મુજબ ઘઉંનો પાક અગાઉના 1110 લાખ ટનના અંદાજથી ઘટીને 1064.1 લાખ ટન થશે, જે ગયા વર્ષના 1095.9 લાખ ટનથી ત્રણ ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે વેપારી વર્ગનો અંદાજ માત્ર 960-980 લાખ ટનનો છે.
માર્ચના ઉત્તરાર્ધમાં ઉત્પાદક વિસ્તારોમાં 40 ડિગ્રી સેલ્શિયસ સુધીની ગરમી પડવાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના તૈયાર થવા આવેલા પાકને નુકસાન થયું હતું.
કઠોળનું ઉત્પાદન આ વર્ષે 277.5 લાખ ટનની વિક્રમ સપાટીએ પહોંચવાથી ધારણા છે, જે ગયા વર્ષ કરતાં નવ ટકાનો વધારો દર્શાવે છે. કઠોળમાં મુખ્ય પાક ચણાનું ઉત્પાદન ગયા વર્ષના 119.1 લાખ ટનથી વધીને 139.8 લાખ ટન થવાનો અંદાજ છે.
ત્રીજા આગોતરા અંદાજ અનુસાર આ વર્ષે તેલીબિયાં, શેરડી અને કપાસનો પણ વિક્રમ પાક ઉતરવાની ધારણા છે. પાક વર્ષ 2021-22માં તેલીબિયાંનો પાક ગયા વર્ષના 359.4 લાખ ટનથી વધીને 384.9 લાખ ટન થવાનો અંદાજ છે. ભારત તેની જરૂરિયાતના આશરે 55 ટકા જેટલું તેલ આયાત કરે છે.
આ મોસમમાં (અૉક્ટોબર-સપ્ટેમ્બર)માં શેરડીના ઉત્પાદનનો અંદાજ 430.4 લાખ ટન મૂકાયો છે, જે ગયા વર્ષના 405.3 લાખના પાકથી વધુ છે.
કપાસનો પાક ગયા વર્ષથી આશરે 1.5 ટકા ઘટીને 315.4 લાખ ગાંસડી ઉતર્યો હોવાનો કૃષિ મંત્રાલયનો અંદાજ છે.
Published on: Mon, 23 May 2022
કૃષિ મંત્રાલયે ઘઉંનો પાક ઘટવાનો અંદાજ જાહેર કર્યો
