નવી દિલ્હી, તા. 22 : ઘઉં પછી હવે રૂની નિકાસ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. રૂના ભાવવધારાથી કાપડ ઉદ્યોગના અન્ય ક્ષેત્રો માટે ભારે મુશ્કેલી સર્જાતાં રૂની નિકાસ પર ઓછામાં ઓછો 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂકવાનું સરકાર વિચારી રહી છે.
અન્ય વિકલ્પો સાથે આ (નિકાસ પ્રતિબંધ) પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ છે. બધા વિકલ્પોના સારાનરસાં પરિણામોનો વિચાર કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવાશે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. જોકે આવો કોઈ પ્રતિબંધ મૂકાય તો પણ અૉક્ટોબરમાં કપાસના નવા પાકની આવકો શરૂ થાય તે પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગયા મંગળવારે તિરુપુરના ગાર્મેન્ટ ઉત્પાદકો સહિત સંખ્યાબંધ હિતધારકો ઉદ્યોગ, વાણિજ્ય અને વત્ર મંત્રી પીયૂષ ગોયલને મળ્યા હતા.
ગોયલે તેમને એક અઠવાડિયામાં તેમની સમસ્યાના વ્યવહારુ ઉકેલો રજૂ કરવાની વિનંતી કરી હતી. તેમજ નિકાસકારોને રૂની રવાનગી સ્વેચ્છાએ ઘટાડવાનો અનુરોધ કર્યો હતો.
રૂનો પુરવઠો વધારવા સરકારે 13 એપ્રિલે રૂ પરની 11 ટકા આયાત જકાત (પાંચ ટકા બેઝિક જકાત, એગ્રી ઇન્ફ્રા સેસ અને સરચાર્જ) હટાવી લીધી હતી. પરંતુ રૂના ભાવ હજી સુધી મચક આપતા નથી.
2021-22માં રૂની નિકાસ વર્ષાનુવર્ષ 48 ટકાના ઉછાળે 2.8 અબજ ડૉલર થઈ હતી. રૂની અનેક સ્થાનિક જાતોના ભાવ છેલ્લા એક વર્ષમાં બમણા થઈ ગયા છે. દાખલા તરીકે ગુજરાતમાં હમણાં સંકર કપાસના ભાવ રૂા. 1.01 લાખ પ્રતિ ખાંડી (356 કિલો) બોલાયા હતા. એક વર્ષ પહેલાં તે રૂા. 45300 હતા.
રૂના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને કારણે નિકાસકારોએ તેમના ગ્રાહકો સાથે નવેસરથી સોદાબાજી કરવી પડી છે અને પશ્ચિમી દેશોના સંખ્યાબંધ નિકાસ અૉર્ડરો કાં તો રદ થઈ ગયા છે અથવા બાંગ્લાદેશ, ચીન, વિયેટનામ કે પાકિસ્તાન તરફ વાળી દેવાયા છે.
વિકસિત દેશોની વધેલી માગનો લાભ લઈને ભારતે 2021-22માં રૂ યાર્ન, કાપડ અને વત્રોની કુલ 40 અબજ ડૉલરની નિકાસ કરી હતી જે આગલા વર્ષ કરતાં 67 ટકાનો વધારો દર્શાવે છે, જોકે તેમાં નીચા પાયાનો પણ ફાળો છે.
તિરુપુર એક્ષ્પોર્ટર્સ ઍસોસિયેશનના કહેવા મુજબ દોઢ વર્ષ પહેલાં રૂા. 200માં એક કિલો કોટન યાર્ન ખરીદી શકાતું હતું, પણ હવે માત્ર 400 ગ્રામ જ મળે છે. તેણે રૂની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
Published on: Mon, 23 May 2022
રૂની નિકાસ ઉપર ટૂંકા ગાળાનો પ્રતિબંધ મૂકવા ગંભીર વિચારણા
