મુંબઈ, તા. 22 : મુંબઈમાં ખાનગી કંપનીમાં કામ કરતા બાવન વર્ષના સિવિલ એન્જિનિયર સાથે યુકેમાં નોકરી અપાવવાને બહાને રૂા. નવ લાખની ઠગાઇ થઇ છે. જોકે આ મામલે સાકીનાકા પોલીસે અજ્ઞાત વિરુદ્ધ એફઆઇઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ અનુસાર 13મી એપ્રિલે ફરિયાદીને તેના મિત્રએ નોકરી શોધવા માટે સંબંધિત ઇમેલ મોકલ્યો હતો. જે વાંચીને ફરિયાદીએ પોતાનો બાયોડેટા મોકલી આપ્યો હતો. 15મી એપ્રિલે એન્જિનિયરને સ્કાઇપ વીડિયો કોલ આવ્યો હતો અને તેની લેખિત પરીક્ષા લેવાઇ હતી. ચાર દિવસ બાદ તેને યુકેની કંપનીમાં પસંદગી કરાઇ હોવાનું જણાવાયું હતું. ત્રણ વર્ષના વિઝાની વ્યવસ્થા માટે ઇમેલ ઉપર દસ્તાવેજ સાથે રૂા. 9.9 લાખ મોકલી આપ્યા હતા. ઠગોએ બનાવટી શખસ જેમ્સ મૂર અને તેનો મોબાઇલ નંબર ઇમેલમાં મોકલી બૅન્કની માહિતી મોકલાવી હતી. ફરિયાદીએ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સામેથી કોઇપણ જવાબ નહીં આવતા તેણે સાકીનાકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Published on: Mon, 23 May 2022