થાણેને ટ્રાફિકજામમાંથી મળશે છુટકારો

થાણે, તા. 22 : મુંબઈ આગ્રા એકસપ્રેસ વે ઉપર મુંબઈ તરફ આવ-જા કરતા વાહનોને પગલે અંતરિયાળ ભાગમાં થતા ટ્રાફિકજામથી થાણેવાસીઓને છૂટકારો મળવાનો છે. મુંબઈથી નાશિક જતા વાહનોને થાણે શહેરમાંથી પ્રવાસ કરવો ન પડે તે માટે ઇસ્ટર્ન એકસપ્રેસ વે ઉપર આનંદ નગરથી સાકેત 6.30 કિલોમીટરનો એલિવેટેડ રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ મુંબઈથી ઇસ્ટર્ન એકસપ્રેસ વે ઉપર થાણેમાં આવતા વાહનો આનંદ નગર થઇને શહેરના અંતરિયાળ રસ્તાથી નાશિક તરફ જાય છે. તેમ જ ઘોડબંદર રોડ તરફ જતા વાહનો પણ ઇસ્ટર્ન એકસપ્રેસ વે ઉપરથી પસાર થતા હોય છે. પરિણામે આ રસ્તા ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાય છે. આવતા વર્ષે મુંબઈ નાગપુર સમૃધ્ધિ મહામાર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાશે. આ રસ્તો થાણે થઇ ને જતો હોવાથી મુંબઈ તરફ જતા વાહનોએ થાણે થઇને જ પ્રવાસ કરવો પડશે. તેમ જ ગાયમુખથી સાકેત સી લિંકનું કામ શરૂ થવાનું છે. આ રસ્તો પૂર્ણ થયા બાદ ગુજરાતથી વાહનો થાણેમાં પ્રવેશ કરશે. અંદાજિત રૂ.1,600 કરોડના ખર્ચે આનંદ નગરથી સાકેત એમ બંને બાજુ વાહનવ્યવહાર માટે થ્રી લેનનો એલિવેટેડ રોડ બનાવાશે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer