મુંબઈ, તા. 22 : પેન કાર્ડ અપડેટ નહીં કરો તો તમારું બૅન્ક ખાતું સસ્પેન્ડ થઈ જશે એવા ટેકસ્ટ મૅસેજ પર ભરોસો કરીને બૉલીવૂડના સંગીત દિગ્દર્શકે રૂપિયા 20 હજાર ગુમાવ્યા હતા. પોતાના ખાતાને બંધ થતું અટકાવવા સંગીતકારે તેને મોકલવામાં આવેલી લિન્ક પર ક્લીક કર્યું હતું અને પોતાની બૅન્ક વિગતો ભરી હતી અને આમ કરીને તેમણે તેમના ખાતામાંથી રકમ ઉચાપત કરનારા ઠગોને મદદ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગ્રાહકોને બૅન્કો દ્વારા અવારનવાર આ બાબતમાં ચેતવણીઓ આપવામાં આવતી હોય છે, પરંતુ લોકો આવા ઠગો દ્વારા મોકલવામાં આવતા મૅસેજને અનુસરીને પોતાની રકમ ગુમાવતા હોય છે.
મ્યુઝિક ડાયરેક્ટરના આ કેસમાં શુક્રવારે પવઈ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ છેતરપિંડી 1 મેના કરવામાં આવી હતી. 1 મેના સંગીતકાર પોતાના ઘરે હતા. ત્યારે સાંજના તેમણે એ લિન્ક પર ક્લીક કરીને પોતાનાં નાણાં ગુમાવ્યાં હતાં, એમ પવઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાયું હતું.
પોલીસ સ્ટેશનની સાયબર ટીમે જે ખાતામાં રકમ જમા થઈ હતી તેની વિગતો બૅન્ક પાસેથી માગી હતી. પોલીસ ટીમ આ લિન્ક બનાવનારને શોધી કાઢવા લિન્કના ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસની વિગતો પણ મેળવી રહી છે. જેથી આરોપીને પકડી શકાય, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મ્યુઝિક ડાયરેક્ટરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, લિન્ક દ્વારા તેને પેજમાં પેન કાર્ડની વિગતો ભરવાનું કહેવામાં આવ્યું હતું અને સેવ ઓપ્શનને દબાવતાં તેને ઓટીપી મળ્યો હતો. જ્યારે મારા ખાતામાંથી રૂપિયા 20 હજાર ડેબિટ થયા ત્યારે મને લાગ્યું હતું કે હું છેતરાઈ ગયો છું.
1552 કેસમાંથી ફક્ત બાવન કેસ ઉકેલાયા
મુંબઈ પોલીસ છેલ્લા 16 મહિનામાં બૅન્ક કાર્ડની છેતરપિંડીના 1552 કેસમાંથી માત્ર બાવન કેસ જ ઉકેલી શકી છે.
Published on: Mon, 23 May 2022