ચારધામમાં ઠેર-ઠેર કચરાના ઢગલા

નવી દિલ્હી, તા. 22 : ત્રીજી મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં આ વખતે બહુ મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા છે. કોરોનાને કારણે બે વર્ષ બાદ શરૂ થયેલી યાત્રાનો લાભ લેવાનો લોકોમાં ઉત્સાહ છે, પણ વધુ પડતા યાત્રિકોને પગલે કેદારનાથ સહિત ચારધામ યાત્રાના સ્થળો અને માર્ગ પર ઠેર-ઠેર પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ સહિત કચરાના ઢગલા ખડકાયા છે ત્યારે નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે, સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તાર માટે આ બાબત બહુ જોખમી છે અને 2013 જેવી તબાહી ફરી સર્જાઈ શકે છે. 
આ વખતે આઠ લાખથી વધુ ભાવિકોએ ચારધામના દર્શન કર્યા છે, પણ તેને પગલે ચારધામના માર્ગે મોટા પાયે કચરો વિખેરાયેલો પડયો છે. ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઢગલો થયો છે ત્યારે ગઢવાલ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ભૂગોળ વિભાગના મુખ્ય પ્રાધ્યાપક એમ.એસ.નેગીએ કહ્યું હતું કે, જે રીતે કેદારનાથ જેવા સંવેદનશીલ સ્થળે કચરો ભેગો થઈ ગયો છે તે બહુ જોખમી છે. તેનાથી ભૂસ્ખલન જેવી આપત્તિઓ સર્જાઈ શકે છે. આપણે 2013ની તબાહીને ધ્યાનમાં રાખવી જોઈએ. ચારધામ યાત્રા દરમ્યાન ઘણા યાત્રિકો ઠેર-ઠેર પ્લાસ્ટિકનો કચરો ફેંકતા ગયા છે. સોશિયલ મીડિયામાં આવા કચરાની તસવીરો વાયરલ થતાં લોકોએ નારાજી વ્યક્ત કરી હતી.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer