મેટ્રો-થ્રીના અંડરગ્રાઉન્ડ લાઈનના પહેલા તબક્કાનું કામ જાન્યુઆરી, 2024માં થશે પૂર્ણ

મેટ્રો-થ્રીના અંડરગ્રાઉન્ડ લાઈનના પહેલા તબક્કાનું કામ જાન્યુઆરી, 2024માં થશે પૂર્ણ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : મેટ્રો કારશેડનો કોયડો હજી ઉકેલાયો ન હોવાથી કોલાબાથી સિપ્ઝ વચ્ચેની મેટ્રો-થ્રી વચ્ચેની લાઈનના શરૂ થવામાં વિલંબ થયો છે. જોકે, આ લાઈનનો પ્રથમ ટપ્પો જાન્યુઆરી, 2024 સુધીમા પૂર્ણ થવાની શક્યતા છે. એ મુજબ મુંબઈ મંટ્રો રેલવે કોર્પોરેશને તૈયારી શરૂ કરી દીધી છે. 
કોલાબાથી સિપ્ઝ વચ્ચેની 33 કિલોમીટર લાંબી મેટ્રો લાઈન અંડરગ્રાઉન્ડ હશે અને એના કામનો શુભારંભ 2016માં થયો હતો. એમાં કુલ 26 સ્ટેશનો હશે. એ સિવાય આ લાઈનને નેવી નગર સુધી લંબાવવાનો પણ પ્રસ્તાવ છે. એમ થશે તો કુલ સ્ટેશન 27 થઈ જશે. 
શરૂઆતની યોજના મુજબ સિપ્ઝથી બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ સુધીના પ્રથમ ટપ્પાનું કામ ડિસેમ્બર, 2021 સુધીમાં, બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સથી કોલાબા સુધીના બીજા ટપ્પાનું કામ જૂન, 2022 સુધી પૂર્ણ થવાનું નક્કી કરાયું હતું. જોકે, વિવિધ કારણોસર આ યોજના રખડી પડી હોવાથી હવે પહેલા ટપ્પાનું કામ જાન્યુઆરી, 2024ના પૂર્ણ થાય એવી અપેક્ષા છે. જ્યારે બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સથી કોલાબા સુધીના બીજા ટપ્પાનું કામ 2025નાં મધ્યમાં પૂર્ણ થશે. 
મેટ્રો-થ્રી લાઈનનો કારશેડ આરે કોલોનીમાં બાંધવાની યોજના હતી. જોકે, પર્યાવરણવાદીઓના વિરોધને કારણે મહાવિકાસ આઘાડીની સરકારે કારશેડને કાંજુરમાર્ગ શિફ્ટ કરવાનો ફેંસલો કર્યો હતો. જોકે, કાંજુરમાર્ગની જગ્યા કાનૂનની દાવપેચમાં પડી છે. આને લીધે મેટ્રો-થ્રી કારશેડનો મુદ્દો હજી સુલટાયો નથી. ટૂંકમાં કારશેડ ક્યાં બનશે એ હજી નક્કી નથી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) કારશેડ માટે નવી જગ્યાની શોધમાં છે, પણ એ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બે નવી જગ્યાની કારશેડ માટે વિચારણા થઈ રહી છે. 
મેટ્રો-થ્રી લાઈનમાં વિલંબ થયો હોવાથી પ્રોજેક્ટના ખર્ચમાં પણ વધારો થયો છે. શરૂઆતનો ખર્ચ 23 હજાર કરોડનો પ્રસ્તાવ હતો. હવે એમા દસ હજાર કરોડના ખર્ચનો વધારો થયો છે. હવે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 33,406 કરોડનો થઈ ગયો છે. 
અત્યારે આ પ્રોજેક્ટનું 98.8 અંડરગ્રાઉન્ડ લાઈનનું કામ પુરું થઈ ગયું છે. માત્ર મહાલક્ષ્મીથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બોગદાનું કામ બાકી છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer