થાણેની ખાડીમાં આવેલું ફ્લેમિંગો અભ્યારણ્ય થઈ રહ્યું છે પ્રદૂષિત

થાણેની ખાડીમાં આવેલું ફ્લેમિંગો અભ્યારણ્ય થઈ રહ્યું છે પ્રદૂષિત
મુંબઈ, તા. 22 : દરિયામાં ઔદ્યોગિક કચરાને નવી મુંબઈના પવનેની ટ્રાન્સ-થાણે ક્રિક (ટીટીસી) ખાતે દરિયામાં લઈ જતી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી)ની અૉફસોર પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ (1972) હેઠળ સુરક્ષિત એવા થાણેની ખાડીમાં આવેલું ફ્લેમિંગો અભયારણ્ય પ્રદૂષિત થઈ રહ્યું છે. આ કહેવાતા ગળતરને સૌપ્રથમ પર્યાવરણવાદી સ્ટાલીન ડી અને હરીશ સુતારે જોયું હતું.
જોકે ડેપ્યુટી એન્જિનિયર કે જે એમઆઈડીસી-ટીટીસી ખાતે કામ કરે છે તેમણે આવા કોઈ કચરાથી અભયારણ્ય પ્રદૂષિત થતું હોવાના દાવાને નકારી કાઢયો હતો. `પાઇપલાઇનમાંથી કોઈ ગળતર થતું નથી' અમે એક મહિના પહેલા આ સ્થળનો સર્વે કર્યો હતો અને કોઈ ગળતર થયું નથી. `જો પાઇપલાઇન તાજેતરમાં ફાટી હોય કે તેમાં ભંગાણ પડયું હોય તો નિકાલના નિયમો પ્રમાણે આવા કચરા કે નિરર્થક પદાર્થોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેથી કોઈ પ્રદૂષણ થાય નહિ' એમ ડેપ્યુટી એન્જિનિયરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
જોઇન્ટ ડાયરેક્ટર યશવંત સોનટકે અને રિજનલ અૉફિસર (નવી મુંબઈ) ડી. બી. પાટીલ સહિતના મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના અધિકારીઓએ એમઆઈડીસીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે હાલ થાણે ખાડીની અંદરથી જતી પાઇપલાઇનોનું સંચાલન તેના દ્વારા કરવામાં આવે છે.
શનિવારે વહેલી સવારે ઘટના સ્થળની મુલાકાત લેનારા લોકોએ જણાવ્યું હતું કે ચૅનલની અંદર ગળતર તો થયું જ છે, અને જો તેની ટ્રીટમેન્ટ કરાઈ હોય તો પણ રક્ષિત વિસ્તારમાં તેને છોડી શકાય નહિ. રાજ્ય વન વિભાગના મેનગ્રોવ્સ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતની તપાસ કરશે. જો ખરેખર ગળતર થયું હશે તો અમે ભૂલ કરનારાઓ સામે પગલાં ભરશું.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer