આસામનાં 2251 ગામમાં પૂરનું પાણી ઘૂસ્યું

આસામનાં 2251 ગામમાં પૂરનું પાણી ઘૂસ્યું
વાયુસેના તહેનાત : પશ્ચિમી રાજ્યોમાં વરસાદની આગાહી
નવી દિલ્હી, તા. 22: આસામમાં આવેલાં પૂરે તબાહી મચાવી છે. ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત છે. આંકડા મુજબ અંદાજિત 29 જિલ્લામાં 7.12 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. આ દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળી લીધો છે. વાયુસેનાના જવાન પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે. વધુમાં મુખ્ય માર્ગથી સંપર્ક તૂટેલા વિસ્તારમાં સામગ્રી પહોંચાડી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યમાં છેલ્લા 9 દિવસમાં 29 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનાં કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. 
બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી રાજ્યોમાં રહેનારા લોકોને ગરમીથી રાહત મળવાની છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે જ્યારે હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં આગામી બે દિવસમાં હળવાની વરસાદની શક્યતા છે. આ હિસ્સામાં મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીના ઘટાડાની શક્યતા છે. જો કે ત્યારબાદ કોઈ નોંધપાત્ર બદલાવની સંભાવના નથી.
આગામી ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારમાં કરા પણ પડી શકે છે. 
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer