શું માતોશ્રી મસ્જિદ છે?

શું માતોશ્રી મસ્જિદ છે?
હનુમાન ચાલીસાના મુદ્દે શિવસેના પર રાજ ઠાકરેનો પ્રહાર
અયોધ્યા યાત્રા રદ કરવા આપ્યું સ્વાસ્થ્યનું કારણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેની પુણેની રૅલી તરફ બધાનું ધ્યાન હતું ત્યારે રાજ ઠાકરેએ આ સભામાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેને આડેહાથે લીધા હતા. રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું હિન્દુત્વ વાળું ભાષણ બાલિશ હતું. આ સિવાય તેમણે અયોધ્યા યાત્રા રદ કરવાનું કારણ પણ સભામાં જણાવ્યું હતું.
તાજેતરમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની થયેલી જાહેરસભા અંગે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ઉદ્ધવનું હિન્દુત્વવાળું ભાષણ બાલિશ હતું. તેઓ પૂછે છે કે કોણ અસલ હિન્દુ છે, તેના પર મને હસવું આવે છે. ત્યારે મને પૂછવાનું મન થાય છે કે `તમારું શર્ટ વધુ સફેદ છે કે મારું?' પુણેની સભામાં રાજ ઠાકરેએ અયોધ્યા યાત્રા સ્થગિત કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે સ્વાસ્થ્ય સંબંધિત કારણસર અયોધ્યાની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તેથી મારો સૌને અનુરોધ છે કે આ અંગે કોઈપણ ખોટી માહિતી ફેલાવો નહીં.
તેમણે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમાન નાગરિકતા ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) અમલમાં મૂકવાની માગણી કરું છું.
આ સાથે જ તેમણે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાની માગણી કરી હતી.
લાઉડ સ્પીકર મુદ્દે તેમણે કહ્યું હતું કે હું મારી માગણી પર હજી પણ અડીખમ છું. મારી માગણી છે કે મસ્જિદો પરથી લાઉડ સ્પીકર દૂર કરવામાં આવે. કારણ કે અવાજનું લેવલ ઓછું કરવાથી ફાયદો નથી. હવે સમય આવી ગયો છે કે તેને સંપૂર્ણ રીતે દૂર કરાય. જો આવું હમણાં ન થયું તો ક્યારે નહીં થાય.
`મનસે કાર્યકર્તાઓને મેં લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહ્યું. રાણા દંપતીએ માતોશ્રી સમક્ષ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહ્યું. હું પૂછવા માગું છું કે શું `માતોશ્રી' એક મસ્જિદ છે? જે તેમને રોકવામાં આવ્યાં. 
અયોધ્યા જતા કોણે રોક્યા? : સંજય રાઉત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રવિવારે પૂણેમાં યોજેલી જાહેરસભા કરેલા ઉચ્ચારણો વિશે પ્રતિક્રિયા આપતા શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના વિશે તેમણે બોલવું ન જોઈએ અને બાળ ઠાકરેની ક્રેડિબિલિટિ શું છે એની મહારાષ્ટ્રને ખબર છે. ઔરંગાબાદને સંભાજીનગર નામ શિવસેનાએ આપ્યું છે એટલે રાજ ઠાકરે એ વિશે બોલી રહ્યાં છે. તેમણે સંભાજીનગર વિશે ઉચ્ચાર કર્યો હતો, એ બાળ ઠાકરેને કારણે કર્યો હતો. બાળ ઠાકરેએ એ વખતે કહેલું કે ઔરંગાબાદ હવે સંભાજીનગર છે અને એના દસ્તાવેજો તૈયાર કરાઈ રહ્યાં છે. આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલાવ્યો છે અને મંજૂરીની રાહ જોવાય છે. 
સંજય રાઉતે કહ્યું હતું કે, રાજ ઠાકરે ક્યારથી હિન્દુત્વવાદી થઈ ગયા? અમારા હિન્દુત્વવાદને ઢોંગી કહેનારે હિન્દુત્વની શાલ ક્યારે ઓઢી એનો ખુલાસો તેમણે કરવો પડશે. અમારું હિન્દુત્વ પ્રખર રાષ્ટ્રવાદી હિન્દુત્વ છે. 
અયોધ્યાની મુલાકાતે જતા તેમને કોણે રોક્યા છે? તેમની મુલાકાત દરમ્યાન ત્યાં તેમની સામે કોણ ગુનો દાખલ કરશે? ભાજપ પ્રાયોજીત આ મુલાકાતમાં તેમની સામે કોણ ગુનો દાખલ કરી શકે છે? તેમનું કાઉન્સાલિંગ કરવાની જરૂર છે. સગવડ પ્રમાણે હિન્દુત્વ તેમણે અપનાવ્યું છે. અન્ય કોઈપણ વિષયની દુકાન ચાલતી ન હોવાથી તેઓ હિન્દુત્વના નામથી દુકાન ચલાવવા માગે છે. અયોધ્યા રામમંદિર વિશેનો તેમનો ઇતિહાસ શું છે એ તેમણે તપાસવાની જરૂર છે. માતોશ્રીએ તમને મોટા કર્યાં છે. 
રાણા દંપતી સાથેની લેહ-લદાખની મુલાકાત વિશે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, આ કેન્દ્ર સરકારની સમિતિ હતી એટલે ત્યાંની મુલાકાત વિશેના પ્રશ્ન કેન્દ્રને કરવા જોઈએ.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer