શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમની જીત પહેલી ટી20 મૅચમાં શ્રીલંકાને 34 રને પછાડયું

શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમની જીત પહેલી ટી20 મૅચમાં શ્રીલંકાને 34 રને પછાડયું
કોલંબો, તા. 23 : ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને પહેલા ટી20 મુકાબલામાં 34 રને પછાડયું છે. દાંબુલા સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલા મેચમાં 139 રનનો પીછો કરતા શ્રીલંકન ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટનાં નુકસાને માત્ર 104 રન જ કરી શકી હતી. બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીનો આગામી મુકાબલો 25 જૂનના રોજ દાંબુલા સ્ટેડિયમમાં જ રમાવાનો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટના નુકસાને 138 રન કર્યા હતા. જેમિમા રોડ્રિગ્સે સૌથી વધારે 36 રનની ઇનિંગ રમી હતી જ્યારે શેફાલી વર્માએ 31 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 22 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી ઇનકો રણવીરાએ સૌથી વધારે ત્રણ અને ઓશાદી રણસિંહેએ ત્રણ વિકેટ લીધી હતી. 
139 રનનો પીછો કરતા શ્રીલંકાની ટીમ પહેલાથી જ દબાણમાં રહી હતી. પહેલી સાત ઓવરમાં જ ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન વી ગુણરત્ને એક, કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ 16 અને હર્ષિતા માદવી 10 રને આઉટ થઈ હતી. પછી શ્રીલંકન ટીમ ટ્રેક ઉપર પરત ફરી નહોતી. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીએ સંઘર્ષ કરીને 47 રન કર્યા હતા. 
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust