ફુગાવા સામે પગલાંના ભયથી સોના-ચાંદીમાં ક્રમશ: ધીમો ઘટાડો

ફુગાવા સામે પગલાંના ભયથી સોના-ચાંદીમાં ક્રમશ: ધીમો ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 : વધતા જતા ભાવ અને ફુગાવાને કાબૂમાં લેવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા પગલા લેવામાં આવશે તેવા ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પછી ડોલર અને બોન્ડમાં તેજી ફાટી નીકળી હતી. સોના-ચાંદીના ભાવ વૈશ્વિક બજારમાં ફરીથી તૂટ્યાં હતા. સોનું 1830 ડોલર અને ચાંદી 21.11 ડોલરની સપાટીએ હતી.  
સોનાની ખરીદી સામાન્ય રીતે ફુગાવા સામે હેજરૂપે કે આર્થિક અસ્થિરતાના સંજોગોમાં થતી આવતી હોય છે પણ અત્યારે ડોલરના મૂલ્યમાં તેજી છે એટલે સોનામાં પછડાટ આવી રહ્યો છે. છતાં સંજોગો વિકટ છે એટલે સોનું અપેક્ષા પ્રમાણે ઘટતું નથી. ડોલર જ્યાં સુધી તેજીમાં રહે ત્યાં સુધી સોનાનો ભાવ વધવો મુશ્કેલ દેખાય છે. બેંક ઓફ ચાઇનાના વિષ્લેષકના કહેવા પ્રમાણે સોનામાં ધીરે ધીરે ઘટાડો આવવાની શક્યતા છે. ભાવ 1800 ડોલર સુધી નીચે જઇ શકે છે. વ્યાજદરમાં વધારો કરવામાં આવતો જશે તેમ તેમ બજાર દબાણ હેઠળ આવશે. સોનાની ખરીદી રિસેશનના જોખમને લીધે થોડી થોડી આવ્યા કરષે પણ એકંદરે બજારમાં ઢીલાશ પ્રવર્તે તે મછે. 
અમેરિકામાં ઉંચા વ્યાજદરને લીધે સોનાની ખરીદી મોંઘી સાબિત થતી હોય છે એટલે રોકાણકારો દૂર ભાગે છે. ફેડના ચેરમેન જેરોમ પોવેલ કહે છેકે, અમેરિકા રીસેશનને જન્મ આપીને ફુગાવો કે ભાવવધારો દૂર કરવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરે.  
ચાંદીના ભાવ વધતા પુરવઠાને લીધે સતત ઘસાતા જાય છે. રશિયામાં ચાંદીની ઇંટોનો ઢગલો થઇ ગયો છે. યુરોપને બદલે હવે નિકાસ માટે નવી જગ્યાની શોધમાં આ દેશ હોવાને લીધે મુશ્કેલી પડી રહી છે માલ સ્ટોક વધતો જાય છે.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 20ના સુધારામાં રૂ. 52300 અને મુંબઇમાં રૂ. 302 ઘટીને રૂ. 50853 હતો. રાજકોટમાં એક કિલો ચાંદી રૂ. 400ના કડાકામાં રૂ. 61000 થઇ હતી. જ્યારે મુંબઇમાં રૂ. 745ના ઘટાડામાં રૂ. 60000 બોલાઇ ગઇ હતી.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust