જૂનમાં પેસેન્જર વાહનોનાં વેચાણમાં વિક્રમી 25 ટકાનો વધારો થવાની શક્યતા

જૂનમાં પેસેન્જર વાહનોનાં વેચાણમાં વિક્રમી 25 ટકાનો વધારો થવાની શક્યતા
ફૅક્ટરીમાંથી ડીલર્સોને આશરે 3.25 લાખ વાહનોની ડિલિવરી થવાની સંભાવના
નવી દિલ્હી, તા. 23 : વાહનોના છૂટક ભાગની પુરવઠા ખેંચ હળવી થવાની સાથે ગ્રાહકો તરફથી માગમાં સતત વધારાના કારણે જૂન મહિનામાં માસિક ધોરણે પેસેન્જર વાહનોનું વેચાણ સૌથી વધારે થવાની શક્યતા છે. પાછલા સમગ્ર વર્ષ દરમિયાન વાહનોના છૂટક ભાગોની પુરવઠા ખેંચના કારણે પેસેન્જર વેહિકલ્સનું વેચાણ અવરોધાયું હતું. 
અૉટોમોબાઇલ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર જૂન માસમાં ફેક્ટરીમાંથી ડીલર્સોને આશરે 3.25 લાખ વાહનોની ડિલિવરી થવાની સંભાવના છે, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 25 ટકાનો વધારો સૂચિત કરે છે. ગયા વર્ષે જૂન મહિના દરમિયાન 2.55 લાખ વાહનોની ડિલિવરી ડીલર્સોને થઇ હતી. 
માર્કેટ લીડર મારુતિ સુઝુકી દ્વારા એક સપ્તાહ માટે મેઇન્ટેનન્સ શટ ડાઉન કરવામાં આવ્યું નહોત તો આ આંકડો હજી વધુ ઊંચો આવ્યો હોત, એમ સૂત્રોનું માનવું છે. પેસેન્જર કાર, સેડાન્સ અને યુટિલિટી વેહિકલ્સનું વેચાણ અૉક્ટોબર, 2020માં 3,34,311 યુનિટ્સનું થયું હતું અને તે પછી માર્ચ, 2022માં 3,21,794 યુનિટ્સનું વિક્રમી વેચાણ થયું હતું. 
દેશમાં અૉટોમોબાઇલ ઉત્પાદક કંપનીઓ ફેક્ટરીમાંથી બહાર નીકળેલા હૉલસેલના આંકડા જાહેર કરે છે અને તેમાં ગ્રાહકોને થયેલા રિટેલ વેચાણના આંકડા સામેલ નથી હોતા. વાહનોની ખરીદી માટે આવેલી પૂછપરછ અને થયેલા બૂકિંગ્સના આધારે માગનો અંદાજ આવે છે અને તે અત્યારે તંદુરસ્ત હોવાનું કહી શકાય, એમ મારુતિ સુઝુકીના માર્કેટિંગ - સેલ્સ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
મારુતિ સુઝુકી સહિત અનેક કંપનીઓ દ્વારા તેમના એકમો જાળવણી હેતુ થોડા દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હોવા છતાં જૂન મહિનામાં એકંદરે માગ સારી રહેવાની વધારે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
છૂટક ભાગનો પુરવઠો પહેલાં કરતાં બહેતર છે અને ચીનમાં ઉદ્યોગો ફરી ધમધમતાં થયા છે. જોકે, વધી રહેલો ફુગાવો, રશિયા - યુક્રેન યુદ્ધ અને શૅરબજારોમાં તોફાની વધ ઘટના માહોલના કારણે અૉટો ક્ષેત્ર સામે પડકારો હોવા છતાં જૂન મહિનામાં વેચાણ સારું રહેવાની આશા છે, એમ કીઆ ઇન્ડિયાના સેલ્સ - માર્કેટિંગ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ હરદીપસિંહ બ્રારે જણાવ્યું હતું.
તે છતાં કીઆ ઇન્ડિયાના વિવિધ મોડટ્સ માટે 14થી 15 દિવસનો વેઇટિંગ પિરિયડ છે, જ્યારે મારુતિના વાહનો માટે 34-36 સપ્તાહ, હ્યુન્ડાઇ વેન્યુ માટે 16 સપ્તાહ, ક્રેટા માટે 28-34 સપ્તાહ, મહિન્દ્રા થાર માટે 34-36 સપ્તાહ અને એક્સયુવી 700 માટે 18થી 24 માસની પ્રતિક્ષા યાદી છે.
હ્યુન્ડાઇ મોટર્સના ડિરેક્ટર તરૂણ ગર્ગના જણાવ્યા મુજબ બૅકલોગ સતત વધી રહ્યો હોવાથી આગામી સમયગાળામાં વેચાણ વૃદ્ધિ થતી રહેશે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust