કેટલાક બંડખોરો પાછા આવવા માગે છે, પરંતુ બળજબરીથી રોકી રખાયા છે

સુરત લઈ જતી કારમાંથી ભાગી છૂટેલા વિધાનસભ્યનો દાવો
મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : શિવસેનાના બંડખોર વિધાનસભ્યોને સુરત લઈ જતી કારમાંથી નાસી છૂટેલા વિધાનસભ્ય કૈલાસ પાટીલે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પમાં લઈ જવાયેલા કેટલાક બંડખોર વિધાનસભ્યો પાછા ફરવા માગતા હોય એવું લાગે છે પરંતુ તેમને બળજબરીથી રોકી રાખવામાં આવ્યા છે.
મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતાં પાટીલે એ વાતને યાદ કરતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પાછા ફરતાં પહેલાં કેવી રીતે તેમને કેટલાક કિલોમીટર ચાલવું પડયું હતું અને ત્યારબાદ ટુ વ્હીલર અને ટ્રકમાં બેસીને તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા ખાતે પહોંચ્યા હતા.
શિવસેનાના બંડખોર નેતા એકનાથ શિંદે હાલ બળવાખોર વિધાનસભ્યો સાથે ગુવાહાટીની એક હૉટલમાં છે અને તેમના આ બળવાથી મહારાષ્ટ્રની એમવીએ સરકારમાં ખળભળાટ મચી ગયો છે. પાટીલે જણાવ્યું હતું કે 20 જૂનના મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ તેમને થાણે ખાતેના બંગલા પર બોલાવવામાં આવ્યા હતા.
ઓસ્માનાબાદના આ વિધાનસભ્યે જણાવ્યું હતું કે તેમને અન્ય કેટલાક વિધાનસભ્યો સાથે થાણેના બંગલામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી આગળ વધતાં પહેલાં તેમની કારને બદલી દેવામાં આવી હતી. શિંદેના સ્ટાફનો માણસ મારી સાથે હતો અને અમે વસઈ-વિરારથી આગળ નીકળી ગયા હતા પરંતુ અમે જેવા મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ પરના ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે મને એવું લાગ્યું હતું કે મને કોઈ અજાણી જગ્યામાં લઈ જવામાં આવે છે. જ્યારે કાર ઊભી રહી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે ચેકિંગ ચાલે છે તમે જરા નીચે ઉતરીને ચાલો. મેં કારનો દરવાજો ખોલ્યો ત્યારે બહાર ટ્રાફિક જામ હતું એમ પાટીલે જણાવ્યું હતું.
કારમાંથી ઉતર્યા બાદ આ વિધાનસભ્ય રસ્તો ઓળંગીને મુંબઈ તરફ જતાં માર્ગે પહોંચી ગયા હતા ત્યારે વરસાદ પણ હતો.
`મને લાગ્યું હતું કે તેઓ મને શોધશે એટલે ટ્રકો વચ્ચે હું એક કિલોમીટર ચાલતો રહ્યો હતો. ત્યારબાદ મોટરબાઇક અને ટ્રકમાં બેસીને હું મુંબઈ પહોંચ્યો હતો' એમ પાટીલે જણાવ્યું હતું. પાટીલની જેમ અન્ય વિધાનસભ્ય નીતિન દેશમુખ પણ સુરતથી પાછા આવી ગયા હતા.
`કેટલાક વિધાનસભ્યો પાછા ફરવા માગે છે પરંતુ દબાણ કે અન્ય કારણોસર તેઓ તેમ કરી શકતા નથી' એવો દાવો પાટીલે કર્યો હતો.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust