રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ ઉદ્ધવની પડખે : અજિત પવાર

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે, મહાવિકાસ આઘાડીની સરકારને બચાવવા બનતા બધા પ્રયાસો કરાશે અને અમારો પક્ષ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની પડખે અડીખમ રીતે ઊભો રહેશે. 
પક્ષપ્રમુખ શરદ પવારના નેતૃત્વ હેઠળની માટિંગ બાદ નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે કહ્યું હતું કે, અમારો પક્ષ ઉદ્ધવ ઠાકરેની પડખે રહેશે. આઘાડી સરકારને બચાવવા અમારો પક્ષ બનતા બધા પ્રયાસ કરશે. મેં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે રાજકીય સંકટ વિશે પણ ફોન પર પણ વાત કરી છે. 
કૉંગ્રેસ અને શિવસેનાના વિધાનસભ્યો અને પ્રધાનોના વિકાસ ફંડ અટકાવવાના આક્ષેપને પણ રદિયો આપતાં નાણાં મંત્રાલયનો પણ હવાલો સંભાળતા અજીત પવારે કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈ સાથે ભેદભાવ કર્યો નથી. બજેટમાં જે ફંડની ફાળવણી કરાતી હતી, એમાં પણ મેં ક્યારેય કાપ મૂક્યો નથી. 
શિવસેનાના બળવાખોરો મુંબઈ પાછા આવશે અને ઉદ્ધવ ઠાકરે સાથે મસલત કરશે તો શિવસેના મહાવિકાસ આઘાડીમાંથી નીકળી જશે એવા શિવસેનાના સાંસદ સંજય રાઉતના નિવેદન વિશે પૂછવામાં આવતા અજીત પવારે કહ્યું હતું કે, આ તેમનો અધિકાર છે. અમે આ વિશે ઉદ્ધવ ઠાકરેને પૂછીશું. બળવાખોરો પાછા આવે એ માટે કદાચ રાઉત આવું બોલ્યા હોઈ શકે છે. 
વર્તમાન રાજકીય સંકટમાં ભાજપનો હાથ છે કે, કેમ એ વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપનો એકેય નેતા જાહેરમાં આગળ દેખાયો નથી. 
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust