માતોશ્રી અને સેના ભવન ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં શિવસેનામાં થયેલા બળવાને પગલે ફેલાયેલી રાજકીય અંધાધૂંધી વચ્ચે મુંબઈ પોલીસે શિવસેનાના દાદરસ્થિત મુખ્યાલય શિવસેના ભવન તથા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રી ફરતેનો બંદોબસ્ત વધારી દીધો છે. સેનાભવન અને માતોશ્રી ઉપરાંત મંત્રાલય અને રાજભવન ફરતે પણ સુરક્ષા વદારી દેવામાં આવી છે. 
ગુરુવારે મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી ખાતે મળ્યા હતા અને તેમની સાથે કાયદા-વ્યવસ્થાની ચર્ચા કરી હતી. 
ગુરુવારે ગુસ્સે ભરાયેલા શિવસેનાના સમર્થકોએ માહિમના વિધાનસભ્ય સદા સરવણકરના તસવીરને કાળો રંગ ચોપડ્યો હતો અને એના ગદ્દાર લખ્યું હતું. સદા સરવણકરે પણ બળવો કર્યો છે અને તેઓ ગુવહાટીમાં એકનાથ શિંદે સાથે છે. 
તમામ બળવાખોર વિધાનસભ્યોના ઘર અને કચેરીની બહાર પણ પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. શિવસેનાની તમામ શાખા બહાર તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના નાગપુરના ઘરની બહાર પણ પહેરો વધારી દેવાયો છે. 
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એકનાથ શિંદે અને કમસે કમ 37 વિધાનસભ્યો શિવસેનાની નેતાગીરી સામે બળવો કરતાં શિવસેનાના સમર્થકો હિંસક બને એની શક્યા છે. 
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust