સરકારી કામોમાં વિલંબ નહીં થાય

`નિર્યાત' પોર્ટલનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થામાં વિદેશી વ્યાપારનું યોગદાન વધારવાના પ્રયાસો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં પગલાં રૂપે ગુરુવારે `નિર્યાત' પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઉદ્યોગ મંત્રાલયનાં નવાં પરિસર `વાણિજ્ય ભવન'નું પણ ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આવી પરિયોજનાઓનું લક્ષ્ય સરકારી કામોમાં ગતિ લાવવાનું છે.
સરકારની યોજનાઓ વરસો સુધી લટકે નહીં, સમયસર પૂરી થાય, એ જ દેશના કરદાતાનું સન્માન ગણાશે  તેવું મોદીએ ઉમેર્યું હતું.
વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતે નિર્ધારિત લક્ષ્યને આંબી લેતાં 418 અબજ ડોલર એટલે કે, 31 લાખ કરોડ રૂપિયાની નિકાસનો નવો વિક્રમ સર્જ્યો છે. 
સરકાર વોકલ ફોર લોકલ અભિયાન, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ પર ભાર મૂકી રહી છે, તેનાં કારણે નિકાસ વધારવામાં મદદ મળી છે. 
હવે વિશ્વના નવા-નવા દેશોમાં ભારતનાં અનેક ઉત્પાદનોની નિકાસ પહેલીવાર શરૂ થઈ છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
મોદીએ આ અવસરે કહ્યું હતું કે, ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેકસમાં દુનિયામાં 46મા સ્થાને છે. સંશોધનાત્મક પહેલોના પ્રયાસો સતત વધી રહ્યા છે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust