મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના નવા કેસમાં 60 ટકાનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા કેસમાં 60 ટકાનો વધારો થયો હતો અને 5218 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 79,50,240 કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યારે 24,867 દરદી સારવાર હેઠળ છે. 
બુધવારે રાજ્યમાંથી 3260, મંગળવારે 3659, સોમવારે 2354 અને રવિવારે 4004 નવા કેસ મળેલા છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં એક કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું હતું. આને લીધે રાજ્યનો મૃત્યાંક 1,47,893નો થઈ ગયો હતો. રાજ્યનો મૃત્યુ દર 1.86 ટકા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4989 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 77,77,480 દરદીઓને રજા અપાઈ છે. રાજ્યનો રિક્વરી રેટ 97.83 ટકા છે. 
રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,17,47,761 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 79,50,240 ટેસ્ટ (09.73 ટકા) પોઝિટિવ આવી છે. 
આખા રાજ્યમાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી મુંબઈમાં છે. મુંબઈમાં 13,614, થાણે જિલ્લામાં 5488 અને પુણેમાં 2443 દરદી સારવાર હેઠળ છે. નંદુરબાર જિલ્લામાં સૌથી ઓછા એટલે કે માત્ર ચાર દરદી સારવાર હેઠળ છે.
મુંબઈમાં 2479 નવા કેસ 23મી જાન્યુઆરી પછીના સૌથી વધુ કેસ ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 2479 નવા કેસ મળ્યા હતા. જે 23મી જાન્યુઆરી પછીના સૌથી વધુ કેસ છે. એ સાથે મુંબઈમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 11,01,862 કેસ મળ્યા છે. 
મુંબઈમાં અત્યારે કુલ 13,614 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. ગુરુવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી 109 દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 
પાલિકાએ કહ્યું હતું કે ગુરુવારે મળેલા 2479 કેસમાં અમુક જૂના કેસોનો પણ સમાવેશ છે. 
મંગળવારે મુંબઈમાંથી 1781, સોમવારે 1310, રવિવારે 2087 અને શનિવારે 2054 નવા દરદી મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં એક કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું હતું. આમ શહેરનો મૃત્યાંક વધીને 19,589નો થઈ ગયો હતો. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 2365 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી 10,68,659 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે, જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.172 ટકા છે. મુંબઈનો ડબાલિંગ રેટ 390 દિવસનો છે. 
છેલ્લા 24 કલાકમાં 20,408 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 1,74,36,851 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે એના કુલ 24,765 ખાટલામાંથી અત્યારે 655 ખાટલા જ કોરોનાગ્રસ્ત દરદીથી ભરેલા છે. અત્યારે કુલ 63 દરદી ઓક્સિજન પર છે. ગુરુવારે મળેલા દરદીમાંથી 2370 (96 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust