શિંદે અને ઉદ્ધવની તરફેણમાં બેનરબાજી

શિંદે અને ઉદ્ધવની તરફેણમાં બેનરબાજી
અમારા પ્રતિનિધિ તરફથી 
થાણે, તા. 23 : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણે જિલ્લા અને મુંબઈમાં તેમના અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં અનેક બેનર અને હોર્ડિંગ્સ લાગ્યા છે. શિંદેના બળવાને લીધે મહાવિકાસ આઘાડી સરકારનું ભાવિ ડામાડોળ થઈ ગયું છે. 
એકનાથ શિંદે થાણેના કોપરી-પાંચપાખાડી વિધાનસભા મતદાર સંઘના વર્તમાન વિધાનસભ્ય છે. થાણે પાલઘર વિસ્તારના એકનાથ શિંદે શિવસેનાના અગ્રણી નેતા છે અને આ વિસ્તાર શિવસેનાનો ગઢ મનાય છે. 
શિંદેની તરફેણમાં આ હોર્ડિંગ્સ અને બેનર થાણે, કલ્યાણ અને ડૉમ્બિવલીમાં પણ જોવા મળ્યા છે. થાણેના માજી મેયર નરેશ મ્હસ્કેએ એકનાથ શિંદેને ટેકો આપી રહ્યા છે. તેમણે એકનાથ શિંદેના ફોટો સાથે કરેલી એક ટ્વીટમાં કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ... અમે આક્રમક હિન્દુત્વની તરફેણમાં છીએ. 
પત્રકારો સાથે સંવાદ કરતાં શિવસેનાના થાણે ગ્રામિણ જિલ્લાના પ્રમુખ પ્રકાશ પાટીલે કહ્યું હતું કે મને જીવનમાં જે કંઈ મળ્યું છે એ સાહેબને કારણે મળ્યું છે. આ સાહેબના નામનો તેમણે ફોડ પાડ્યો નહોતો. જોકે, તેઓ એકનાથ શિંદેના ચૂસ્ત સમર્થક છે.  આ દરમિયાન માહિમમાં વૉર્ડ ક્રમાંક 182માં શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકરના બેનર પરના ફોટા પર શિવસૈનિકો દ્વારા કાળો રંગ ચોપડવામાં આવ્યો હતો, અને તેના પર `ગદ્દાર' એમ લખવામાં આવ્યું હતું.
શિવસેનાના વધુ વિધાનસભ્યો શિંદેના બળવામાં જોડાવા ગયા બાદ શિવસૈનિકો વધુ આક્રમક બન્યા હતા. ગુરુવારે સવારે ગયેલા વિધાનસભ્યોમાં સરવણકરનો પણ સમાવેશ થાય છે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust