રાષ્ટ્રીય પક્ષ મદદ કરવા તૈયાર : એકનાથ શિંદે

રાષ્ટ્રીય પક્ષ મદદ કરવા તૈયાર : એકનાથ શિંદે
શિવસેનાના 37 વિધાનસભ્યો મારી સાથે 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : શિવસેનામાં બળવો કરનાર એકનાથ શિંદેએ કહ્યું છે કે એક રાષ્ટ્રીય પક્ષે અમારા બળવાને ઐતિહાસિક ગણાવ્યો છે અને અમને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. 
શિવસેનાના એકનાથ શિંદે અને પક્ષના અન્ય કમસે કમ 37 વિધાનસભ્યોના બળવાને લીધે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકાર પતનના આરે આવી ગઈ છે. 
ગુવહાટીમાં શિંદે બળવાખોરોના જૂથને સંબોધતાં હોય એવો એક વીડિયો તેમની અૉફિસે રિલીઝ કર્યો હતો અને આ વીડિયોમાં શિંદેએ ઉક્ત નિવેદન કર્યું હતું. વીડિયોમાં બળવાખોર વિધાનસભ્યો એવું પણ કહેતા સંભળાય છે કે તમે (શિંદે) અમારા ગ્રુપના નેતા હોવાથી તમે અમારા વતી કોઈ પણ ભાવિ નિર્ણય લઈ શકો છો. 
વીડિયોમાં એકનાથ શિંદે વધુમાં કહે છે કે આપણી બધાની ચિંતા અને ખુશી એક સરખી છે. આપણે બધા એક છીએ અને વિજય આપણો જ થશે. એક મહાશક્તિ રાષ્ટ્રીય પક્ષ છે જેણે પાકિસ્તાનને પણ ધૂળ ચાટતું કર્યું હતું. આ પાર્ટીએ એમ કહ્યું છે કે આપણે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એ રાષ્ટ્રીય પક્ષ આપણને બધી મદદ કરવા તૈયાર છે. 
શિવસેનાના શિંદે પક્ષના 37 બળવાખોર વિધાનસભ્યો અને સાત અપક્ષ વિધાનસભ્યો સાથે અત્યારે ગુવહાટીની હોટેલમાં છે.  શિંદેની અૉફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે ભાવિ નિર્ણય લેવાની શિંદેને સત્તા આપતો ઠરાવ વિધાનસભ્યોએ એકમતે પસાર કર્યો હતો.  જોકે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર નરહરિ ઝીરવાલે શિવસેનાના ગ્રુપ નેતાના પદે શિંદેના સ્થાને અજય ચૌધરીની નિમણૂકને મંજૂર કરી છે. 
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust