24 કલાકમાં વિધાનસભ્યો મુંબઈ પાછા ફરે : સંજય રાઉત

24 કલાકમાં વિધાનસભ્યો મુંબઈ પાછા ફરે : સંજય રાઉત
મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવાને પગલે પક્ષના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે ગુવાહાટીમાં તંબુ તાણીને બેસેલા વિધાનસભ્યોનું જૂથ 24 કલાકમાં મુંબઈ પાછું ફરે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરે તો અમારો પક્ષ મહાવિકાસ આઘાડી સરકારમાંથી બહાર નીકળવા તૈયાર છે.
એકનાથ શિંદે હાલ 37 જેટલા બળવાખોર અને નવ વિધાનસભ્યો સાથે ગુવાહાટીમાં છે. તેના કારણે શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર મુસીબતમાં મૂકાઈ છે. આ સરકારમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી પણ ભાગીદાર છે.
સંજય રાઉતે આજે પત્રકારોને જણાવ્યું હતું કે શિંદે સહિત ગુવાહાટીમાં બેસેલા વિધાનસભ્યો સાચા શિવસૈનિકો છે અને તેઓ પક્ષત્યાગ નહીં કરે. તેઓએ મુંબઈ આવવાની હિંમત દેખાડવી જોઈએ. તમારી માગણીઓ વિશે સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે. વ્હોટસએપ અને ટ્વીટર ઉપર પત્રો લખવાનું બંધ કરો. ગુવાહાટી ગયેલા બળવાખોર વિધાનસ્ભયોએ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. જો તમે ઈચ્છતા હો તો તમારે મુંબઈ આવવાની હિંમત દેખાડવી જોઈએ. વિધાનસભ્યો કહે છે કે તેઓ શિવસૈનિક છે. તેઓને માત્ર સરકારમાં રહેવા સામે વાંધો હોય તો તમારી માગણી વિશે વિચાર કરવામાં આવશે. તેના માટે તમારે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવી જોઈએ, એમ રાઉતે ઉમેર્યું હતું.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust