આઘાડી સરકાર બચાવીશું : શરદ પવાર

આઘાડી સરકાર બચાવીશું : શરદ પવાર
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારના ભાવિનો નિર્ણય વિધાનસભાના પટ પર નક્કી થશે અને આઘાડીના ત્રણે પક્ષો શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વિશ્વાસનો મત જીતીને બતાવશે. 
શિવસેનાના પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના કમસે કમ 37 વિધાનસભ્યોએ કરેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં ઊભા થયેલા રાજકીય સંકટ વિશે બોલતાં પવારે ભારપૂર્વક કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આવેલા સંકટમાં ભાજપનો હાથ છે. ગમે તે ભોગે આઘાડી સરકારને બચાવાશે એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આઘાડી સરકારનો ભાવિનો ફેંસલો ગુવહાટીમાં નહીં, પણ મહારાષ્ટ્રની વિધાનસભામાં નક્કી થશે. મહાવિકાસ આઘાડી વિધાનસભામાં બહુમતી સાબિત કરીને બતાવશે. એકનાથ શિંદેએ જે રાષ્ટ્રીય પક્ષનો ઉલ્લેખ કર્યો છે એ ભાજપ જ છે.  
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust