રાષ્ટ્રપતિ ચૂંટણી : મોદીને મળ્યાં મુર્મુ

રાષ્ટ્રપતિ ચૂંટણી : મોદીને મળ્યાં મુર્મુ
આજે નોંધાવશે ઉમેદવારી; બીજેડીના સમર્થનથી જીત પાકી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 18મી જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે તેઓ આવતી કાલે પોતાની ઉમેદવારી નોંધાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તેમના પહેલા પ્રસ્તાવક હશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપ દ્વારા નામાંકન પત્રના ચાર સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, બીજુ જનતા દળ પાર્ટી (બીજેડી)એ એઁમાંથી એક પર હસ્તાક્ષર કરવાનું સ્વીકાર્યું છે. બીજેડીના સમર્થન સાથે એનડીએએ રાષ્ટ્રપતિની ચૂંટણીના કુલ 10,86,431 મતમાંથી અડધા મત પાકા કરી લેશે.
વડા પ્રધાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની ઉમેદવારીની આખા દેશમાં, સમાજના દરેક વર્ગ તરફથી સરાહના કરવામાં આવી રહી છે. મૂળભૂત સમસ્યાઓ અંગે તેમની સમજ અને ભારતના વિકાસ માટેનું તેમનું વિઝન ઉત્કૃષ્ટ છે. સમાજની સેવા માટે અને ગરીબોને સશક્ત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરવા માટે તેમણે દ્રૌપદી મુર્મુની પ્રશંસા કરી હતી. દ્રૌપદી મુર્મુ આપણા દેશની એક મહાન રાષ્ટ્રપતિ બનશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત ર્ક્યો હતો. 
ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે મંગળવારે સાંજે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના તેમના ઉમેદવાર જાહેર ર્ક્યા હતા. જ્યારે વિરોધ પક્ષોએ ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાના નામની જાહેરાત કરી હતી.
દ્રૌપદી મુર્મુ ચૂંટાશે તો તેઓ દેશના સર્વોચ્ચ પદે પહોંચનારી ઓડિશાની પ્રથમ વ્યક્તિ હશે અને ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપ્રમુખ અને બીજા મહિલા રાષ્ટ્રપ્રમુખ હશે.
આંકડાની દૃષ્ટિએ યુપીએ ઘણું પાછળ હોવાથી રાષ્ટ્રપતિની ચૂંટણી બિનસ્પર્ધાત્મક રહેશે. યુપીએના ઉમેદવાર યશવંત સિંહાએ આજે તેમના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી.
ભુવનેશ્વરથી દિલ્હીની ફ્લાઇટમાં ચડતાં પહેલાં ઓડિશાના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુએ તમામનો આભાર માન્યો હતો અને ચૂંટણી માટે સહયોગ માગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તમામ સાંસદોને મળશે અને તેમનો સહયોગ માગશે. ભાજપના નેતાઓ મનોજ તિવારી, અર્જુન મુંડા, અર્જુન રામ મેઘવાળ અને આદેશ ગુપ્તાએ તેમનું દિલ્હી ઍરપોર્ટ પર સ્વાગત ર્ક્યું હતું. દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં ઓડિશા ભવનમાં રહેશે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust